ગાંધીનગર:ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.
આસારામને આજીવન કેદ:ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરાયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કોર્ટમાં કેવી રહી દલીલો:કોર્ટમાં સજા બાબતે બંને પક્ષકારના વકીલોએ દલીલ કરી હતી જેમાં મુખ્ય સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું હતું કે આરોપી આસારામે મહિલા જગતને શરમાવે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટ કોઈ પણ પ્રકારની દયા રાખવી ના જોઈએ. જ્યારે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા થવી જોઈએ. ઉપરાંત તેઓએ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ અને દુષ્કર્માના પ્રયાસ ભૂતકાળમાં કર્યા છે. જેથી આરોપીને કડકમાં કડક અને સખતમાં સખત સજા થાય સાથે જ આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવે તેવી દલીલો સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.
કલમ 376 હેઠળ આજીવન કેદની સજા:સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું હતું કે બાકીના જે આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે તેમને વિરુદ્ધમાં આવનારા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. આમ આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા આસારામને આરોપી જાહેર કરીને કલમ 376 હેઠળ આજીવન કેદ અને 10,000 નો દંડ, 377 કલમ હેઠળ આજીવન કેદ અને 10,000નો દંડ, 354, 357 અને 506(2) હેઠળ એક-એક વર્ષની કેદ અને 342 હેઠળ 6 મહીના કેદ સાથે 30,000 નો દંડ અને 50,000 યુવતીને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સેશન કોર્ટના ચૂકાદાને પડકારાશે:આરોપી આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું હતું કે સેશન કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. આસારામના વકીલે આસારામને ઓછામાં ઓછી સજા થાય તેવી પણ દલીલો કરવામાં આવી હતી જ્યારે આસારામ છેલ્લા દસ વર્ષથી જોધપુરની જેલમાં બંધ છે અને તેઓ સજા પણ કાપી રહ્યા છે. ત્યારે ઓછી સજા કરવાની દલીલ કરી હતી આ ઉપરાંત અત્યારે આસારામની તબિયત પણ સારી નથી અને ઉંમરને ધ્યાનમાં લઈને કોર્ટ નિર્ણય કરે તેવી દલીલો કરવામાં આવી હતી.