ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર શહેરમાં યોજાયેલ જનમંચના કાર્યક્રમમાં જમીન કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી જમીનના હક લઈ લેવામાં આવ્યા છે અને લેન્ડ ગ્રેબિંબ એક્ટનો દુરઉપયોગ થયો હોવાની માહિતી પણ સામે આવી છે. ભાજપે પોતાના મળતીયા અને અમુક ચોક્કસ લોકોને ફાયદો કરાવવા માટે જમીન કૌભાંડ કર્યુ હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે. અમદાવાદના કલોલ અને સાણંદની 8000 વીઘા જેટલી જમીન પર હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આ જમીનોની કુલ કિંમત 20000 કરોડ રૂપિયાથી પણ વધુની થવા જઈ રહી છે. આમ, કુલ 20000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું છે.
સુઆયોજિત જમીન કૌભાંડઃ ગુજરાતના વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગુજરાતની સ્થાપના દિવસથી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યુ હતું. જેમાં અલગ અલગ જિલ્લા-તાલુકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં જમીનો પચાવવાની અનેક ફરિયાદો સામે આવી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ચાલતી ડબલ એન્જિન સરકારમાં સરકારી અધિકારીઓ બેફામ થયા છે. પોલીસ દ્વારા કેટલાક અધિકારીઓ જમીનના કબજા લેવડાવી રહ્યા છે. ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેનો ગણોતિયાનો હક કે અધિકાર મળતો નથી. જમીન પચાવવા માટે વ્યવસ્થિત અને સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે.