ગાંધીનગરઃ કોરોના વાયરસને અટકાવવામાં પણ સરકારી અધિકારીઓ બેવડી નીતિ અપનાવી રહ્યાં છે. જ્યારથી આ રોગનું સંક્રમણ વધ્યું છે. ત્યારથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતાં વોરિયર્સ ખંતથી ફરજ બજાવી રહ્યાં છે. પોતે 60 રૂપિયાનું ભોજન જે સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું હોય છે, તે જ હોસ્પિટલમાં રહીને જમી રહ્યાં છે. રહેવા માટે પણ તેમણે પથિકાશ્રમમાં ઉતારો આપવામાં આવ્યો છે, જ્યાં સામાન્યમાં સામાન્ય માણસ રહી શકે છે. ખરા અર્થમાં વોરિયર્સ સાબિત થયાં છે તેમની સામે સરકાર દ્વારા વહાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
સરકારની બેવડી નીતિ, ખાનગી તબીબોને VIP સુવિધા અને સરકારીને વા-પાણી - ડીડીઓ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કલેકટર દ્વારા આ બાબતે એક બેઠક યોજવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલને કોવિંડ હોસ્પિટલ જાહેર કરવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને સેક્ટર 24 અને ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટની સંખ્યા વધારવાનું સૂચન કરાયું હતું. પરંતુ આ બેઠકમાં એક અપરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું હતું. ખાનગી હોસ્પિટલના તબીબને વીઆઇપી સુવિધા આપવા જણાવાયું છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને સામાન્ય વ્યક્તિની જેમ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે પરંતુ ડરના માર્યા તબીબો હોસ્પિટલો ખોલતાં નથી. તેવા સમયે ગઈકાલે કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હવે ખાનગી તબીબોને વીઆઈપી સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારના નિર્ણયથી તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો તેવી સ્થિતિ નિર્માણ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો ખાનગી તબીબોને VIP સુવિધા આપવામાં આવે તો સિવિલમાં કોરોનાવાયરસ શરૂ થયો ત્યારથી ફરજ બજાવતા તબીબોની અવગણના શા માટે ?