ગાંધીનગરઃ અક્ષરધામ મંદિરના પરિસરમાં દિવાળીની વિશેષ ઉજવણી સંદર્ભે કુલ 10,000 દીવાનો શણગાર કરવામાં આવ્યો છે. આ પરંપરાને આ દિવાળીમાં 32મુ વર્ષ થયું છે. 1992માં સ્થપાયેલા આ મંદિરમાં 31 વર્ષથી સતત દર દિવાળીએ 10,000 દીવા પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું છે.
વિશિષ્ટ આકર્ષણોઃ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિરે પોતાની 31 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. જે અનુસાર આ વખતની દિવાળીમાં સમગ્ર મંદિર પરિસરમાં કુલ 10,000 દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. આ દીવાઓની રોશનીમાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. સમગ્ર વાતાવરણ પ્રકાશમય બની ગયું છે. આ ઉપરાંત ભક્તો અને દર્શનાર્થીઓ માટે એક વિશેષ આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે. જેમાં અક્ષરધામ મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ નયનરમ્ય નજારો અદભુદ છે. ગ્લો ગાર્ડનની થીમ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને અત્યંત મોહક લાગી રહી છે. આ ઉપરાંત નજીકના દિવસોમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણની 49 ફિટ ઊંચી પ્રતિમા પણ આ મંદિર પરિસરમાં સ્થાપવામાં આવશે. આ પ્રતિમાના દર્શન ઉપરાંત ભક્તો પૂજા અર્ચના પણ કરી શકશે. આ 49 ફિટ ઊંચી પ્રતિમા સમક્ષ મેડિટેશન કરી શકાય તેવી ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે.