ગુજરાત

gujarat

ETV Bharat / state

Food checking drive : ભેળસેળિયા ખાદ્યપદાર્થો નાશ કરવાના સરકારી આંકડા જોઇ ચકરાઇ જશો, 8 ખાનગી લેબને ફૂડ ટેસ્ટિંગ પરવાનગી અપાઈ - Food checking drive

તહેવારોમાં મીઠાઇ ખાતાં પહેલાં બેવાર વિચાર કરજો. કારણ કે સરકારી આંકડા મુજબ 800 મેટ્રિક ટન અખાદ્ય જથ્થો, 600 કરોડના માવા, ઘી, મીઠાઈનો નાશ ભેળસેળના પગલે કરાયો છે. સાથે દિવાળીમાં ફૂડ ટેસ્ટિગ વધારવા 8 ખાનગી લેબને પરવાનગી આપવામાં આવી છે ત્યારે દરરોજ ચોવીસ કલાક ટેસ્ટિંગ થવાના આયોજનની વાતો કરવામાં આવી છે.

Food checking drive : ભેળસેળિયા ખાદ્યપદાર્થો નાશ કરવાના સરકારી આંકડા જોઇ ચકરાઇ જશો, 8 ખાનગી લેબને ફૂડ ટેસ્ટિંગ પરવાનગી અપાઈ
Food checking drive : ભેળસેળિયા ખાદ્યપદાર્થો નાશ કરવાના સરકારી આંકડા જોઇ ચકરાઇ જશો, 8 ખાનગી લેબને ફૂડ ટેસ્ટિંગ પરવાનગી અપાઈ

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 3:16 PM IST

દરરોજ ચોવીસ કલાક ટેસ્ટિંગ થવાના આયોજન

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 7 નવેમ્બર મંગળવારના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવાર દરમિયાન જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના નાગરિકોને સારું અને શુદ્ધ ભોજન પ્રાપ્ત થઈ શકે તે માટે ફૂડ વિભાગને સતત ફૂડનું ચેકિંગ કરવા માટેના આદેશ આપ્યા હતાં. ત્યારે હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વધુમાં વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ થાય તે માટે 8 ખાનગી લેબોરેટરીમાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગની પરવાનગી આપવામાં આવી છે.. આમ હવે ગુજરાતમાં 14 લેબમાં ફૂડ ટેસ્ટિંગની પ્રક્રિયા થશે.

1700 રેઇડ, 600 કરોડનો માલ જપ્ત : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ જી કોશિયાએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું રાજ્યના નાગરિકોને દિવાળી અને તહેવારના સમયમાં શુદ્ધ ખોરાક મળે તે માટે વિભાગ કટિબદ્ધ છે.

દિવાળી અને તહેવારોના સમયમાં વિભાગ દ્વારા ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ વધી જાય છે, ત્યારે આવા સમયે કોઈપણ વેપારી વધુ નફો કમાવવાની લાલચમાં કોઈપણ ખોટું કરે તો તેના માટે અમે ખાસ સ્પેશિયલ ટાર્ગેટ બેઝ કામ કરવામાં આવે છે. આ ટાર્ગેટ અંતર્ગત ઘી, માવો, મીઠાઈ, નમકીન ફરસાણનું ચેકીંગ વધારવામાં આવે છે. ઉત્પાદકો પર જ રેડ પાડીએ છીએ. સમગ્ર રાજ્યમાં ઇન્સ્પેકશન કરવામાં આવ્યું છે અને 1700 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ક્વોલિટી ખરાબનો રિપોર્ટ આવ્યો છે તેમાં 800 મેટ્રિક ટન જથ્થો જેની બજાર કિંમત 600 કરોડ થાય છે તે જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તમામ ટેસ્ટિંગ મોબાઈલ વેન અને મેજીક બોક્સથી કરવામાં આવ્યું છે...એચ. જી. કોશિયા (ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર)

14 દિવસનો નિયમ, પરિણામ મોડું કેમ ? : લેબ ટેસ્ટિંગના નિયમો બાબતે એચ જી કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફૂડમાં સેફ્ટી એક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે, લેબમાં મોકલવા માટે પ્રોસીજર કરવામાં આવે છે. લેબમાં સેમ્પલ આવ્યા બાદ 14 દિવસમાં પરિણામ લાવવાનો નિયમ છે, પણ અમુક કારણોસર ન થાય તો રિપોર્ટની અંદર મોડું પરિણામ કેમ આવ્યું એ પણ લખવું જરૂરી છે. પણ જ્યારે રિપોર્ટ આવે ત્યારે કાયદાની અંદર અપીલમાં જવાનો નિયમ છે. પરિણામ આવ્યા બાદ પણ અમે એક્શન લઈ શકતા નથી. કારણ કે કાયદામાં એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. અપીલમાં જવાની આ સમગ્ર પ્રોસેસ છે. જેથી આવું ન થાય તે માટે ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ઉપરાંત કેન્દ્ર સરકારને નિયમમાં ફેરફાર કરવા માટેની રજુઆત કરવામાં આવી છે જેથી કંપનીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં પણ લઈ શકાય.

14,000 કિલો ઘી જપ્ત :રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અંબાજીમાં ઘીકાંડ બાદ સમગ્ર ગુજરાતમાંથી વિભાગ દ્વારા કુલ 14,052 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત રૂપિયા 54, 16,627 રૂપિયા થાય છે. જ્યારે આમ કુલ 128 જેટલા નમૂના સમગ્ર ગુજરાતમાંથી ઘીના સેમ્પલ સ્વરૂપે લેવામાં આવ્યા છે. આનમૂનામાંથી 52 જેટલા નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે જ્યારે હજુ પણ 116 જેટલા સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે. આમાં સૌથી વધુ ઘીનો જથ્થો પાલનપુર ખાતેથી 5416 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાંથી 477 કિલોનો જથ્થો વિભાગ દ્વારા જપ્ત કરાયો છે.

667 નમુનાની વિરુદ્ધ કોર્ટની પ્રક્રિયા ચાલુ : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2023થી 31 ઓક્ટોબર 2023 સુધીમાં કુલ 11,291 જેટલા નમૂના લેવામાં આવ્યા છે, જે અંતર્ગત 10,882 નમૂનાની તપાસ થઈ છે, ઉપરાંત આ તપાસમાં 53 નમૂના ફેઇલ 534 સબ સ્ટાન્ડર્ડ અને 133 જેટલા નમૂના મિસ બ્રાન્ડેડ સામે આવ્યા છે. ઉપરાંત 53 જેટલા નમૂના લીધેલ કંપની વિરુદ્ધ કોર્ટ કેસ કરવાની કામગીરી પણ હાલમાં કાર્યરત છે જ્યારે 667 નમૂનાની વિરુદ્ધ કોર્ટની પ્રક્રિયા ચાલુ છે.

સુરતમાં નવી લેબ શરૂ થશે, રાજકોટની કેપેસિટી વધારાશે : ત્યારે હવે ટેસ્ટિંગની કેપેસિટી વધે તેને ધ્યાનમાં લઈને પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગ કેપેસિટી વધારવા બાબતે કોશિયાએ જણાવ્યું હતું કે કેપેસિટી વધારવા માટે સુરતમાં લેબ શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની જે કેપેસિટી છે તેમાં વધારો કરવો, નવા ઇકવિપમેમન્ટ લાવવામાં, નવા મેન પાવર વધારવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 22 મોબાઈલ સેફ્ટી વેન છે અને હજુ 12 મોબાઈલ સેફટી વાન લેવામાં આવશે. છેલ્લા મહિનામાં 38 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 98 લાખની પેનલ્ટી ફૂડ સાથે ચેડા કરનાર વિરુદ્ધ કરવામાં આવી છે.

24 કલાક ટેસ્ટીંગ થશે, નવો સ્ટાફ ભરવામાં આવશે :વિભાગમાં હાલમાં કુલ 1529 જેટલી જગ્યાઓનું મંજૂર મહેકમ છે. જ્યારે આઠ કોર્પોરેશનનો સ્ટાફ અલગથી કાર્યરત છે. આ ઉપરાંત જગ્યા માટે પણ સરકારી પ્રોસેસ કરવી પડે છે અને જીપીએસસી તથા પરીક્ષા મંડળ દ્વારા નવા કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે તેવું નિવેદન એચ ડી કોશિયાએ આપ્યું હતું. સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોમાં 24 કલાક ટેસ્ટિંગ થાય તે રીતનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે . તેના માટે અલગ અલગ ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવશે. જ્યારે આ બાબતે ભરતી પણ ટૂંક સમયમાં વિભાગ દ્વારા કરવાની જાહેરાત ઋષિકેશ પટેલે કરી હતી.

  1. Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી
  2. Diwali 2023 : જામનગરમાં ખજૂરમાં ઇયળ નીકળ્યાં બાદ દિવાળી પહેલા જાગી મનપા ફુડ શાખા, ફરસાણ અને મીઠાઈના નમૂના લીધા
  3. Cabinet Meeting : તહેવારોમાં જ નહીં 365 દિવસ ખાદ્યપદાર્થમાં ભેળસેળ વિરુદ્ધ કાર્યવાહી કરવા સીએમની ટકોર, કડક કાર્યવાહીના આદેશ

ABOUT THE AUTHOR

...view details