ગાંધીનગર: રાજ્યમાં રોડ એક્સિડન્ટ્સની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ એક્સિડન્ટ્સમાં હજારો નાગરિકો ઘાયલ થાય છે કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુ પણ નિપજે છે. વર્તમાનમાં સૌથી ચકચારી રોડ એક્સિડન્ટ્સ તથ્ય પટેલનો છે. જેમાં એસ.જી.હાઇવેના ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈના રોજ એક સાથે 10 લોકોને કારની અડફેટે લેવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં પણ ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરાયું હોવાનું નોંધાયું છે.
પોલીસકર્મીઓ પણ તોડે છે ટ્રાફિક રૂલ્સઃ રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસ કર્મચારીઓ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ટુ વ્હીલર પર 3 સવારી, ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ જેવા નિયમોનું પાલન થતું નથી. આ માહિતી વારંવાર ડિજી ઓફિસને મળતી રહે છે. રોડ એક્સિડેન્ટ્સના વધતા પ્રમાણને લઈને ડીજી ઓફિસ દ્વારા પોલીસકર્મીઓ માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્રમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં તમામ પોલીસ કર્મચારીઓને ફરજીયાત ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા પડશે.
પોલીસની છબી ખરડાઈ છેઃ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ સૂચના છે કે ગુજરાતના શહેરો, જિલ્લા અને અન્ય વિભાગો ખાતે ફરજ બજાવતા ઘણા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ટ્રાફિક રુલ્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જ્યારે પોલીસ ટ્રાફિક રુલ્સનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેની વિપરીત અસર પ્રજા(સામાન્ય નાગરિકો) પર પડે છે. પરિણામે પોલીસની છબી ખરડાઈ છે. તેથી તમામ પોલીસ કર્મચારીઓને કાયદેસરની ટ્રાફિક નિયમોને પાલન કરવાનું રહેશે.
કયા ટ્રાફિક્સ રૂલ્સ પોલીસ પાળશેઃ
- ટુ વ્હિલર પર ત્રણ સવારી નહીં
- હેલ્મેટ ફરજિયાત
- ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ફરજિયાત
- ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ ન લગાવવી
- વાહનો પર P કે POLICE લખાવું નહીં
- ટ્રાફિક અને પોલીસ કર્મચારીઓએ ફરજિયાત બોડી રિફલેક્ટર પહેરવું.
નિયમોનું ઉલ્લંઘન પર થશે કાર્યવાહી: ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા પોલીસકર્મીઓ પ્રત્યે રાજ્ય પોલીસ વડાએ લાલ આંખ કરી છે. ટ્રાફિક રૂલ્સને ફોલો ન કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થશે. આ કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર, રેન્જ આઈ.જી., એસ.પી. અને એસ.આર.પી. હેડક્વાર્ટરમાં સૂચના અપાઈ ગઈ છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમયાંતરે ટ્રાફિક પોઈન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવાનું રહેશે.
- અમદાવાદ ટ્રાફિક પોલીસની બેક સીટબેલ્ટ ઝૂંબેશ શરુ, લોકોને સમજાવાશે મહત્ત્વ
- ગાડી લઈને નીકળતા ચેતજો, ટ્રાફિક પોલીસની કારમાં પાછળની સીટ પર બેલ્ટને લઈને ખાસ ઝુંબેશ