ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસને લઈને સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે, ત્યારે સમાચાર પત્રો દ્વારા પણ સરકારનો કાન આમળવામાં આવ્યો છે. જેને લઈને હાઇકોર્ટ દ્વારા પણ આરોગ્ય વિભાગ અને સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન તરીકે નીતિન પટેલ ખુલાસો કરવા બહાર આવ્યાં હતાં.
હાઇકોર્ટે દ્વારા સરકારની ઝાટકણી, નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન તરીકે નીતિન પટેલે ખુલાસો આપ્યો નીતિન પટેલે કહ્યું કે, લોકશાહીની ન્યાયિક પરંપરા પ્રમાણે અને જ્યુડિશિયરીના નિયમો પ્રમાણે જે બાબતો નામદાર અદાલત સમક્ષ વિચારાધીન છે, એ અંગે મારે કંઇ કહેવાનું નથી, પરંતુ પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય પ્રધાનની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય પ્રધાન તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે.
આ અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકેએ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય પ્રધાન તરીકે છેલ્લા બે મહિનામાંમેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાંચ વખત વિગતવાર મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તજજ્ઞ ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાંત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ત્રણ વખત બેઠકો કરીને ગુજરાતની વધુ સારી સેવા કઈ રીતે કરી શકાય તે બાબતે પરામર્શ કર્યો છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મારી વય 64 વર્ષની છે. આગામી 22મી જૂને મને 65મુ વર્ષ બેસશે. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સિનિયર સિટીઝને ઘરની બહાર નીકળવું પણ જોખમી છે. અમારા પરિવારના સભ્યો પણ સ્વાભાવિકપણે જ ચિંતા કરીને અમને બહાર જતા અટકાવે છે. એવા સંજોગોમાં મેં એક પણ વખત બહાર જવાનું ટાળ્યું નથી. વિસ્તૃત ચર્ચા કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. નામદાર હાઈકોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક અવલોકનો કર્યાં છે, કેટલાક સુચનો કર્યા છે અને કેટલીક ગાઇડલાઇન આપી છે. આ તમામ સંદર્ભે રાજ્ય સરકાર આગામી અઠવાડિયામાં પોતાનો જવાબ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરશે.
નીતિન પટેલે કહ્યું કે, મને આ વર્ષે 65 વર્ષ પુરા થશે ત્યારે કોરોનાની આ મહામારી સામે સિનિયર સિટીઝનોને બહાર જવાની છૂટ ન હોવા છતાં પણ હું જનહિતમાં હોસ્પિટલોની વિઝીટ અને તબીબો સાથે બેઠકો કરીને આ સ્થિતિનું આરોગ્ય પ્રધાન તરીકે સતત મોનીટરીંગ કરી રહ્યો છું. એટલું જ નહીં મુખ્યપ્રધાન રિલિફ ફંડમાં દાન આપવા આવતા વિવિધ સંસ્થાઓના વડાઓ, પ્રતિનિધિઓ અને અગ્રણીઓને રૂબરૂ મળીને તેમના ચેકનો સ્વીકાર કરતો રહ્યો છું અને કરતો રહીશ. મુલાકાતો ટાળવાની તબીબી નિષ્ણાતોની સલાહ હોવા છતાં માત્રને માત્ર પ્રજાના હિત માટે જ ચેક સ્વીકારવા માટેનું આ જોખમ લઇ રહ્યો છું. અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 450 કરોડથી વધુ રકમ મુખ્યપ્રધાન રાહત ફંડમાં દાન પેટે આવી છે.