ગાંધીનગર : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતોની આવક બમણી બને તે માટે અનેક પ્રકારની જાહેરાતો અને સબસિડી આપવામાં આવે છે, પરંતુ ક્યાંકને ક્યાંક ખેડૂતોની આવક વધશે કે નહીં તે ઉપર કોંગ્રેસે પ્રશ્નાર્થ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં બિનખેતી કરવામાં આવેલી જમીન મુદ્દે પ્રશ્નો કર્યા હતા. જેમાં રાજ્યમાં કુલ 27.52 કરોડ ચો.મી. જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર થયું હોવાની વિગત વિધાનસભાગૃહના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવી હતી.
રાજ્યમાં ગત 2 વર્ષમાં ખેતી લાયક જમીનમાં થયો ઘટાડો
વિધાનસભા ગૃહમાં ગત 2 વર્ષમાં રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 27 પોઇન્ટ 52 કરોડ ચોરસ મીટર જમીન બિનખેતી કરવામાં આવી હોવાનો સરકારે પ્રશ્નોત્તરીકાળમાં જવાબ આપ્યો હતો. એક બાજૂ રાજ્યમાં ખેતીની ઉપજ વધારવાની અને ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે કરોડો ચોરસ મીટર જમીન વિકાસના નામે બિનખેતી કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.
વિધાનસભા ગૃહ
સૌથી વધુ બિનખેતી જમીન અમદાવાદ જિલ્લામાં કરાઇ હોવાનું પણ પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું હતું, જ્યારે સૌથી ઓછી ડાંગ જિલ્લાની જમીન બિનખેતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.