ગાંધીનગરના કલોલમાં પાંજરાપોળ વિસ્તારમાં રાખવામાં 484 ઘેટા-બકરાના મોત નિપજ્યા છે. જેને લઇને તાત્કાલિક અસરથી પશુ ચિકિત્સકો દોડી ગયા હતા. 200 જેટલા ઘેટા બકરાને બચાવી લેવામાં આવ્યા હતા. તમામ ઘેટા બકરાને એન્ટીબાયોટિક દવા સાથે બોટલ ચડાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઘેટા બકરાના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
કતલખાને જતા બચાવવા 500 ઘેટાં-બકરાને પાંજરાપોળમાં લવાયા, ત્યાં પણ મળ્યું મોત - પશુ ચિકિત્સકો
ગાંધીનગર: કલોલનાં પાંજરાપોળ વિસ્તારમાં રાખવામાં આવેલા 484 ઘેટા બકરાના આકસ્મિક મોત થતા તંત્ર દોડતું થઇ ગયું હતું. પાંજરાપોળના સંચાલકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમજ, તબીબો તુરંત જ સારવાર આપવા માટે દોડી ગયા હતા. પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુમાંથી હાલમાં 205 જેટલા ઘેટા બકરા સુરક્ષિત છે.
સૂત્રોએ જણાવ્યું મુજબ, ઘેટાં બકરાના ગળસુંઢા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલના વરસાદના ભેજવાળા વાતાવરણમાં ચેપ વધુ ફેલાય છે. બકરાના મોત ન થાય તે માટે ડોક્ટરોની એક ટીમ તેનાત કરવામાં આવી છે. ગળસુંઢા રોગના કારણે ઘેટા-બકરાના મોત થયા હોય તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહી છે. પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચા કારણ જાણવા મળી શકે છે. સામાન્ય રીતે ઘેટા બકરા ખુલ્લામાં રાખવામાં આવે છે જો ઘેટા બકરાને એકસાથે વાડામાં પૂરી રાખવામાં આવે તો ચેપ વધુ ફેલાય છે. પરંતુ હાલમાં જ મોહરમનો તહેવાર ગયો હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં ખુલ્લામાં રખડતા ઘેટા બકરાને ઉપાડી જવાના બનાવ બનતા હોય છે. તેને લઈને પાંજરાપોળ દ્વારા તમામ ઘેટા બકરાને એક જગ્યાએ રાખવામાં આવ્યા હતા.