9 નવેમ્બરના ETVના અહેવાલ પર સરકારની મહોર; નાની વયે હાર્ટ એટેકના કેસ ઘટાડવા સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ - હાર્ટ અટેકના કિસ્સા
રાજ્યમાં નવરાત્રિ દરમિયાન, યોગા ક્લાસીસ, સ્ટેજ પર, રીક્ષા ચલાવતા તો વળી ચાલુ શાળામાં હાર્ટ એટેકના કેસ નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ યુવાન અને નાની વયના બાળકોમાં વધુ જોવા મળ્યું. જેને પગલે સરકાર એલર્ટ જોવા મળી છે. અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે.
સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ
સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ
ગાંધીનગર: ગુજરાતમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. ગુજરાતની પ્રાથમિક ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન હાર્ટ અટેક કિસ્સા પણ સામે આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળીના વેકેશન બાદ ડિસેમ્બર માસમાં બે તબક્કામાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકોને હાર્ટ અટેકથી બચવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો અહેવાલ ETV ભારતે 9 નવેમ્બરના રોજ પ્રસારિત કર્યો હતો. આજે રાજયના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે તેની સત્તાવાર જાહેરાત કરી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 88 હજાર શિક્ષકો ટ્રેનિંગ લેશે.
રાજ્યના ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 2 તબક્કામાં 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ CPR ટ્રેનિંગ આપવામાં આવશે. દેશ અને ગુજરાતમાં જે રીતે વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ સામે આવ્યું છે. તેને ધ્યાને લઈને ડિસેમ્બરમાં રાજ્યના ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષકો માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને CPR ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે ભાજપ ડોકટર સેલ પણ હાજર રહેશે. - કુબેર ડીંડોર (કેબિનેટ શિક્ષણ પ્રધાન)
કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે હાર્ટ અટેકથી છેલ્લા છ મહિનામાં 1052 જેટલા ગુજરાતમાં મોત થયા છે, જેમાં 80% મોતમાં 11થી 95 વર્ષ સુધીના યુવાનોનો સમાવેશ થાય છે અને પ્રતિદિન રોજના 108માં 173 જેટલા કોલ હાર્ટ રિલેટેડ આવી ગયા છે. જેના કારણે જ કેજીથી લઈને પીજી સુધીના તમામ શિક્ષકો અને પ્રોફેસર માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તમામ શિક્ષકોને CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
રાજ્યમાં ભાજપના તમામ કાર્યકર્તાઓને CPRની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર દેશમાં પ્રથમ વખત શિક્ષકોને પણ CPRની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી ગુજરાતમાં સૌથી વધુ CPR ટ્રેનર નોંધાશે. આ સાથે જ રેડક્રોસ સોસાયટી પણ ટ્રેનિંગમાં જોડે રહેશે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2023 માં જાન્યુઆરી 2023માં આવેલ આંકડા મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 88 લાખથી વધુ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રીનીંગ દરમિયાન 3195 બાળકોમાં કિડની, હૃદય રોગ, કેન્સર સહિતની બીમારીઓની સારવાર કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યના સરકારી શાળામાં અભ્યાસ કરતા 2110 બાળકોને હૃદય રોગ સંબંધિત, 724 બાળકોને કિડની અને 337 બાળકોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી.