ગાંધીનગરઃ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના દર્દીઓ વધી રહ્યા છે. આ નવા વેરિયન્ટે ભારત અને હવે ગુજરાતમાં પણ દેખા દીધી છે. ગુજરાતના અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં કોરોનાના કુલ 13 દર્દીઓ નોંધાયા છે. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે.
આરોગ્ય વિભાગની તકેદારીઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ 20મી ડિસેમ્બરે દરેક રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તબીબી સેવા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં આવનારા દિવસોમાં વાયબ્રન્ટ સમિટ અને કાંકરિયા કાર્નિવલ યોજાવાના છે. આ ઈવેન્ટને કારણે સંક્રમણ ફેલાય નહી તે માટે આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લીધા છે. આરોગ્ય વિભાગે જ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને આઈસોલેટ કર્યા છે. આ દર્દીઓના સંપર્કમાં આવનારા સગા સંબંધીનો સર્વે કરીને તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. જો દર્દીની આસપાસના લોકો પોઝિટિવ આવશે તો તેમને પણ આઈસોલેટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે દરેક જિલ્લાની હોસ્પિટલ્સમાં ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનનું પૂરતુ પ્રમાણ, વેન્ટિલેટર્સ, કોન્સનટ્રેશન મશિન તેમજ પૂરતા પ્રમાણમાં બેડની સંખ્યાના આદેશ આપી દીધા છે. હોસ્પિટલ્સમાં સમયાંતરે મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.