રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બીરદાવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ (CCMS) પ્રોજેક્ટને CSI Nihilent e-governance Award: 2018 તરીકે પસંદગી કરાઈ અને હૈદરાબાદ ખાતે તત્કાલીન અધિક સચિવ વિકટર મેકવાન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગના અધિક સચિવ (વિવાદ) નલિન ઉપાધ્યાયે જણાવ્યું કે, CCMS પ્રોજેકટનો અમલ SSRD ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ (અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે મે-2015થી શરૂ કરીને કામગીરી ઓનલાઇન કરાઇ હતી. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી કેસનું મોનીટરિંગ પદ્ધતિસર કરવામાં આવતું હતુ અને વર્ષ 2017-18 માટે નોમિનેશન મોકલવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (CSI)ની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરીને ભલામણ કરાઈ હતી. જે સંદર્ભે વર્ષ 2017-18નો ‘એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પસંદગી રાજ્ય સરકારની પારદર્શી નીતિને પરિણામે થઈ છે.
CCMS પ્રોજેક્ટ થકી તમામ પ્રક્રિયા ઓનલાઇન થતા કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથે-સાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે. ઓનલાઇન પ્રોજેક્ટ થકી વહીવટમાં પારદર્શિતા આવી અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા છે. અરજદારોના કેસને CCMSમાં દાખલ કરીને કેસનો ઓન લાઈન નંબર જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ કેસને લગતી તમામ વિગતોની સિસ્ટમમાં એન્ટ્રી કરીને કેસનું બોર્ડ જનરેટ થાય છે.