ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યના ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે કોમન યુનિવર્સિટી બિલ રજૂ કર્યું હતું. જેમાં લગભગ 6 કલાક સુધીની ચર્ચા બાદ કોંગ્રેસના વિરોધ બાદ બિલ ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યુ હતું. આ બિલ લાગુ થતાંની સાથે જ રાજ્યની 11 યુનિવર્સિટીમાં સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરવામાં આવશે.
કોંગ્રેસનો મુદ્દાવાર વિરોધ:કોમન યુનિવર્સિટી બિલને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે રાજયમાં 11 યુનિવર્સિટી ઉપરાંત 100 ખાનગી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીને પણ આ બિલ લાગુ થાય તેવી માગણી કરવામાં આવી હતી. સત્રમાં વિરામ દરમિયાન કોંગ્રેસે બિલ અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.
એક્ટની મહત્વની જોગવાઈ :
- યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે.
- એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે.
- યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે.
- આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા આવશે.
- રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ રહેશે.
- વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગિની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે.
- અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33 ટકા મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ.
- યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.
- યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે.
- યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.
- ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે.
યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે. યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. - ઋષિકેશ પટેલ, પ્રવક્તાપ્રધાન
88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી : બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે અમને આ બિલ મામલે ઋષિકેશ પટેલ પાસેથી ઘણી આશા હતી. શિક્ષણ એ કોઇની જાગીર નથી, જ્યારે ગુજરાતમાં યુનિવર્સિટીની ગ્રાન્ટ પ્રમાણે કુલપતિ નિમણૂક થતી નથી. કોમન યુનિવર્સિટી એકટમાં એમ હતું કે ઋષિકેશ પટેલ ક્રાંતિકારી બિલ આવશે. વિશ્વામિત્ર બનવું હોય તો ભાષણથી નહિ બનાય. વિદ્યાને કોઈ ગુલામ બનાવી શકતું નથી તે આઝાદ છે. વિદ્યા પ્રકાશ આપનારું છે. દિવાને અજવાળે ભણીને આપણે બધા વિધાનસભા સુધી પહોચ્યા છીએ.
આ બિલથી સેનેટ પ્રથા ખતમ થઇ જશે. કોઇ યુવા નેતા મંત્રી નહી બની શકે. આ બિલથી લાગતું નથી કે કોઇ હવે વિદ્વાન બનશે. અત્યાર સુધી તમામ યુનિવર્સિટી જાતે સંચાલન કરતી હતી. સરકાર ગ્રાન્ટ ફાળવે કે ન ફાળવે સંચાલન યુનિવર્સિટી કરતી હતી. આ બિલથી ફલિત થાય છે કે, માછલીએ જ્યાં ત્યાં નહી તરવાનું, માછલીએ સ્વિમિંગ પુલના નિયમો પ્રમાણે જ તરવાનું. સૌરાષ્ટ્ર યુનિના એક શિક્ષકે ભ્રષ્ટાચાર પર કવિતા લખી તો સરકાર તેને સસ્પેન્ડ કરી દીધો હતો. ગુજરાતી ભાષાનો નિષ્ણાત શિક્ષક હતો. હાલ તમામ યુનિવર્સિટીમાં કહ્યાગરાં કુલપતિ અને પ્રોફેસરો બેઠા છે. પહેલાના કુલપતિ તો શિક્ષણ મંત્રીને મળે જ નહીં, તેઓ સીધા રાજ્યપાલને મળે. રાજ્યની 108માંથી 88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી. જ્યારે 2468 કોલેજમાંથી 2371 કોલેજમાં નેકનું એક્રિડેશન નથી. રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજ બંધ થઈ રહી છે. જ્યારે ખાનગી યુનિવર્સિટી ખુલી રહી છે...અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસના ધારાસભ્ય )