ગાંધીનગર: રાજ્ય સરકારના વર્ગ-3 અને 4 ના સરકારી કર્મચારીઓ જો ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે 2011 થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે.
સરકારી નોકરી દરમિયાન વર્ગ-3 અને 4ના કર્મચારીનું મોત થાય તો આશ્રિતો નાણાકીય સહાય માટે 1 વર્ષ સુધી અરજી કરી શકશે : સીએમ રૂપાણી - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમિયાન અવસાન પામતા વર્ગ-3 તથા 4 ના કર્મચારીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા 6 માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે.
જે અનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે 6 મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. સીએમ રૂપાણી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે. આથી આ રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય 6 માસથી વધારી 12 માસ એટલે કે 1 વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.