- સેટકોમ માધ્યમથી ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજ્યના છેવાડાના ગામોના સરપંચો સાથે કર્યો સંવાદ
- 'મારૂં ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં સતર્કતા-જનસહયોગથી સફળ બન્યું : વિજય રૂપાણી
- કોરોના વેક્સિન માટે સજ્જતા અને સુદ્રઢ આયોજન થકી પોતાના ગામોને સંપૂર્ણ રસીકરણયુકત કરવા આહવાન
ગાધીનગર : રાજ્યમાં વિકાસમાં ગ્રામ્ય વિસ્તારોનો મહત્વનો ફાળો છે. ત્યારે શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ ગામોના સરપંચોને ‘મારૂં ગામ કોરોના મુક્ત ગ્રામ’ અભિયાનને સફળ બનાવી જનજાગૃતિથી કોરોના સંક્રમણથી પોતાના ગામને મુક્ત રાખવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ ગ્રામીણ સરપંચો સાથે સેટકોમના માધ્યમથી ‘ગ્રામ વિકાસની વાત, મુખ્યમંત્રીને સાથ’ના નવિન અભિગમ અન્વયે સહજ સંવાદ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી સાધ્યો હતો.
'મારૂં ગામ કોરોના મુકત ગામ’ અભિયાનમાં સતર્કતા-જનસહયોગથી સફળ બન્યું : વિજય રૂપાણી 'કોરોના હારશે, ગુજરાત જીતશે'
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સંવાદમાં જણાવ્યું હતું કે, 'કોરોના હારશે, ગુજરાત જીતશે'ના ધ્યેય સાથે આપણે કોરોના મહામારી સામે ઝૂક્યા વગર આપત્તિને અવસરમાં બદલાવવાની ખૂમારી દાખવી છે. આ સાથે મુખ્યપ્રધાનને તમામ સરપંચોને પ્રેરક આહવાન કર્યુ હતું કે, કોરોના સામેની લડાઇનો આ અંતિમ તબક્કો છે. હવે આપણે કિનારે છીએ અને નજીકના ભવિષ્યમાં જ કોરોના વેક્સિન આવતા કોરોનાથી સૌ સલામત થઇ જવાના છીએ.
કોરોના વેક્સિન માટે સજ્જતા અને સુદ્રઢ આયોજન થકી પોતાના ગામોને સંપૂર્ણ રસીકરણયુકત કરવા આહવાન 'મારુ ગામ કોરોના મુક્ત ગામ'
સરપંચોને CM રૂપાણીએ જણાવ્યું હતું કે, જેમ ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’નો સંકલ્પ તમે સૌએ સતર્કતા, જવાબદારી અને સૌના સહયોગથી પાર પાડ્યો છે, તેવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં આ કોરોના વેક્સિન પણ સૌને મળે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થામાં સક્રિય સહભાગી બનશો.
ચૂંટણીમાં પોલિંગ બુથ હોય, તેમ વેક્સિનના બુથ ઉભા કરવામાં આવશે
જે ઢબે ચૂંટણીમાં પોલિંગ બૂથ હોય છે અને પોલિયો રસીકરણ માટે પણ બૂથ બનાવી છેવાડાના વ્યક્તિ સુધીના અંતિમ છૌરના લોકોને આવરી લેવામાં આવે છે. તે જ પદ્ધતિએ કોરોના વેક્સિન માટે પણ આવા બૂથ બનાવી સરપંચો, પદાધિકારીઓ, ગ્રામજનો સૌના સહયોગથી કોરોના વેક્સિનનો ડોઝ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું પારદર્શી અને સુદ્રઢ આયોજન કરાશે. આ વેક્સિનને છેક ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાની સમગ્ર સપ્લાય ચેઇન, વેક્સિનના સંગ્રહ અને પ્રિઝર્વેશન માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.
સેટકોમ માધ્યમથી ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજ્યના છેવાડાના ગામોના સરપંચો સાથે કર્યો સંવાદ 50 વર્ષથી વધુને લોકોના ડેટા તૈયાર કરવાનું શરૂ
રાજ્ય સરકાર દ્વારા આ વેક્સિન ગ્રામીણ નાગરિકોને મળી રહે તે માટે મોટાભાગના ગામોમાં 50 વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિઓના સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ થઇ છે. તબક્કાવાર આવી રસી આપવાની કાર્યવાહી શરૂ કરાશે. આ અન્વયે જેમ જેમ વેક્સિનનો જથ્થો આવતો જશે તેમ પ્રાયોરિટી નક્કી કરવામાં આવશે. 50 વર્ષથી ઉપરની વયના લોકોને આ રસી અપાયા બાદ 50થી નીચેના હોય, પરંતુ કોઇને કોઇ ગંભીર બિમારી ધરાવતા હોય તેમની પણ અલગ યાદી બનાવી વેક્સિનેશન કરવામાં આવશે.
સરકારે કોરોના સંક્રમિત જરૂરિયાતમંદ માટે 108 કરોડ ફાળવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણ સામે સરકારના આરોગ્યલક્ષી પગલાઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, સરકારે રેમિડિસિવીર અને ટોસિલોઝૂમેબ જેવા મોંઘા ઇન્જેકશનો કોરોના સંક્રમિત જરૂરતમંદોને વિનામૂલ્યે આપવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ મળીને રૂપિયા 108 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યભરના 1472 PHC, 362 CHC, 9000 સબ સેન્ટર અને શહેરી ક્ષેત્રોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સંબંધિત કામગીરી સારવાર છેલ્લા 8 મહિનાથી ‘કોરોના હારશે, ગુજરાત જીતશે’ના લક્ષ્ય સાથે આરોગ્ય કર્મીઓ નિભાવી રહ્યા છે. ગ્રામીણ સરપંચો સમક્ષ ડિજિટલ સેવાસેતુ અને કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની ફિલ્મો પણ પ્રસ્તૃત કરવામાં આવી હતી.