ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 31 માર્ચ સુધી લૉકડાઉન મૂક્યું હતું પણ દેશના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ લૉક ડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને જીવન જરૂરિયાત વસ્તુની અછતના સર્જાય તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 4 મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
સીએમ વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકીદ કરી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માગ વધુ રહેવાની છે. આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો.