ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના સાણોદાના તળાવમાંથી ભૂ-માફિયાઓ માટી ચોરી કરતા ઝડપાયા, ગ્રામજનોએ કરી પોલીસમાં અરજી - Theft of clay

ગાંધીનગર: દહેગામ પાસે આવેલા સાણોદા ગામના તળાવમાંથી મોડી રાત્રે માટી ચોરી કરતા માફિયાઓને ગામના લોકોએ રંગેહાથ ઝડપી લીધા હતા. મોડી રાત્રે ટ્રેક્ટર અને જેસીબી સાથે માટી ચોરી કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની જાણ ગામ લોકોને થતા કૌભાંડ સાથે સંકળાયેલા લોકોને ખૂલ્લા પાડવામાં આવ્યા હતા. આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગામના આગેવાનો દ્વારા કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી.

GDR
દહેગામ

By

Published : Dec 18, 2019, 9:18 AM IST

સામાન્ય રીતે નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા રેતીચોરી કરવાના દાખલા સામે આવ્યા છે, પરંતુ હવે સાદી માટી પણ મળવી મુશ્કેલ બની રહી છે. ત્યારે માટી માફિયાઓ હવે સામે આવી રહ્યાં છે. દહેગામ તાલુકામાં આવેલા સાણોદા ગામના તળાવ પાસે મોડી રાત્રે જેસીબી મશીન વડે માટી ખોદીને લઈ જવામાં આવતી હતી. ગ્રામજનો દ્વારા આ માટી ક્યાં લઈ જવામાં આવે છે? અને કોના આદેશથી લઈ જવામાં આવે છે? તેની તપાસ કરવા એક દિવસ રાત ઉજાગરા કરવામાં આવ્યા હતાં.

સાણોદા ગામમાંથી આ માટી ક્યાં લઈ જાય છે તેને લઈને ગ્રામજનો અડધી રાત્રે તપાસ કરવા જતા બે ટ્રેક્ટર અને એક જેસીબી માટેની કામગીરી કરી રહ્યું હતું. ત્યારે ગ્રામજનોએ ટ્રેક્ટર લઈને આવનાર ડ્રાઈવરને પૂછતા તેઓ ફફડી ગયા હતા. મળતી માહિતી મુજબ મહેન્દ્ર પાસે આવેલા શિવપુરા કંપાના બીટ્ટુ પટેલ અને શાંતિલાલ પટેલ દ્વારા માટી ચોરી આચરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ બંને બંને લોકો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા માટે અરજી પણ કરવામાં આવી છે.

દહેગામ: સાણોદાના તળાવમાં શિવપુરા કંપાના માફિયાઓ માટીની ચોરી કરતા ઝડપાયા, પોલીસમાં અરજી

સાણોદા ગામના આગેવાનોએ કહ્યું કે, ગામની પાસે પાસે મહેન્દ્રા ગામની સીમ ટચ થાય છે. ત્યારે અડધી રાત્રે અમારા ગામની સીમમાંથી ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર માટી ચોરી કરવામાં આવી રહી છે. આ માટી ચોરી પાસે આવેલા શિવપુરાકંપાના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. અમે ટ્રેક્ટરના ડ્રાઈવરને પૂછતા એની પાસેથી અધકચરી માહિતી મળી હતી. સામાન્ય રીતે એક ટ્રેક્ટર માટી બે હજાર કરતા વધુ કિંમતે વેચાય છે. જેને લઇને આ પ્રકારની માટી ચોરી આચરવામાં આવી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. બીજી તરફ સાણોદા ગામના આગેવાનો દહેગામ તાલુકા વિકાસ અધિકારીને મળીને આ બાબતથી વાકેફ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details