ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ એ અમૃત કાર્ડનું પ્રથમ અને શ્રેષ્ઠ બજેટ છે, ત્યારે આ બજેટમાંથી ગુજરાતને અનેક લાભ થશે. જ્યારે ગુજરાત આ બજેટમાંથી વધુ લાભ લેનારું રાજ્ય પણ બનશે.
ગુજરાત બજેટનો ઉઠાવશે વધુ ફાયદો :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારના બજેટ બાબતે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે. તેમાં ગુજરાતને વધુમાં વધુ લાભ થશે અને ગુજરાત બજેટનું વધુ લાભ ઉઠાવશે. કારણ કે, સહકારી ક્ષેત્ર માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકારે બજેટમાં કરી છે, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 10,000 કરોડનો ફાયદો ફક્ત ખાંડ ઉદ્યોગને જ થશે. ગુજરાતમાં સહકારી માળખું મજબૂત છે. જેથી ગુજરાત સૌથી વધુ લાભ લેનાર રાજ્ય બનશે.
પ્રાકૃતિક ખેતી માટે યુરિયા સબસીડી ઘટાડી :કેન્દ્ર સરકારે બજેટમાં યુરિયાની સબસીડીમાં મોટો ઘટાડો કર્યો છે, ત્યારે આ બાબતના પ્રશ્નનો જવાબ આપતા રાજ્યના મુખ્યપ્રધાન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું ધ્યાન હવે પ્રાકૃતિક ખેતી તરફ છે. લોકો અને ખેડૂતોનો મોટો વર્ગ પ્રાકૃતિક ખેતી તરફ વડે તેને ધ્યાનમાં લઈને સબસીડી ઘટાડી હોવાનું અનુમાન લગાવી શકાય છે. આમ આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુ ફોકસ કરવામાં આવશે.