ગાંધીનગર : સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યારબાદ તેઓ રોડ શો કરીને ગાંધી આશ્રમ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા જશે, પરંતુ આ રોડ શોમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.
સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં કેબિનેટ પ્રધાનોને હજુ સુધી આમંત્રણ નહીં, CMનો કાફલો રોડ શોમાં હશે કે નહીં ? - પ્રમુખ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ રંગેચંગે આ કાર્યક્રમ યોજાશે, પરંતુ હજુ સુધી ગુજરાત સરકારના એક પણ કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાનોને આમંત્રણ જ આપવામાં આવ્યું નથી.
અમેરિકાની એજન્સી દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ હજુ સુધી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પોતાનો કાફલો રોડ શોમાં મુકવાની અનુમતિ આપવામાં નથી આવી હોવાનું પણ ક્યાંકને ક્યાંક સામે આવી રહ્યું છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ સાબરમતી આશ્રમની મુલાકાત રદ કરી શકે તેમ છે, ત્યારે અમુક સિક્યુરિટી કારણોસર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાને પણ આવવાની મંજુરી આપવામાં આવી નથી. આ સાથે જ સ્ટેડિયમનું તમામ કામકાજ કેન્દ્ર સરકારના હસ્તક હોવાના કારણે રાજ્યના કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનોને અંતિમ સમયે આમંત્રણ અપાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.