ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સૌ ગુજરાતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ પરતંત્રમાંથી સ્વતંત્ર પ્રવેશની ગૌરવવંતી યાત્રાનું સ્મરણ કરીને સન્માનની લાગણી અનુભવવાનો છે. આઝાદીની લડતમાં યોગદાન આપનાર, પ્રાણની આહુતિ આપનાર પ્રત્યેક શૂરવીરોનું સ્મરણ કરીએ તેમને કોટી કોટી વંદન કરીએ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કર્યું ધ્વજવંદન, જુઓ વીડિયો - અમદાવાદ
આજે 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન પ્રધાન ભીખુભાઈ દલસાણીયા ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે મક્કમતાથી લડીને દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સહિતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા પ્રત્યેક યોદ્ધાઓના અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ભૂલી નહીં શકે. અત્યારે દેશની બોર્ડર ઉપર સેવા આપી રહેલા સૈનિકો અને દેશ ઉપર પ્રાણ ન્યોછાવર કરીને વીરગતિને પ્રાપ્ત ભારતીય સેનાના પ્રત્યેક સૈનિકને તેઓ નમન કરે છે.
આ ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને શપથ લેવડાવી હતી કે, તેઓ પીએમ નરેન્દ્ર મોદીના આદેશ પ્રમાણે 'ઇન્ડિયા ફર્સ્ટ' અને 'વોકલ ફોર લોકલ' આ ભાવને કરોડો દેશવાસીઓ સુધી પહોંચાડે અને ખાસ કરીને સ્વચ્છતા મિશન ઉપર વધુ ધ્યાન આપે.