ભાજપના ધારાસભ્યોની બેઠક મળી, નીતિન પટેલે કહ્યું-અન્ય ધારાસભ્યોના મત મળશે - ધારાસભ્યોની બેઠક મળી
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકોને લઈને આગામી 19 જૂન શુક્રવારે મતદાન યોજાશે. ભાજપે પહેલેથી જ કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવી નાખ્યા છે, ત્યારે આજે બુધવારે ગાંધીનગર શહેરમાં સેક્ટર-12માં આવેલા ઉમિયા ભવન ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને આશિષ સેલર હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠક મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળી હતી. બેઠક પહેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, અમને અન્ય ધારાસભ્યોના પણ મત મળશે.
ગાંધીનગર : રાજ્યસભામાં ભાજપ દ્વારા ત્રણ અને કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે કોંગ્રેસના બે ઉમેદવાર જીતી શકે તેમ હતું, પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. તેને લઈને હવે કોંગ્રેસના બે ઉમેદવારને વિજયી બનવું મુશ્કેલ છે. તેવા સમયે ભાજપ દ્વારા આજે બુધવારે સેક્ટર 12 ઉમિયા ભવન ખાતે વિધાયક દળની બેઠક બોલાવી હતી. જેમાં ધારાસભ્યોને એકડા બગડાની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ઉમેદવારોને મત કેવી રીતે આપવા તેની પ્રેકટિકલ માહિતી આપવામાં આવી હતી.