ગાંધીનગર મહાપાલિકા દ્વારા ફરીથી બાયોમેટ્રિક સિસ્ટમ બંધ કરાઈ
કોરોના મહામારી દરમિયાન વોરિયર્સ બનીને શહેરને સ્વચ્છ રાખતા ગાંધીનગર મનપાના સફાઈ કામદારોની ફરજિયાત બાયોમેટ્રિક હાજરી પુરાવાતી હતી. કર્મચારીઓના આંતરિક વિરોધ વચ્ચે પણ એજન્સી કે તંત્ર દ્વારા આ મુદ્દે ધ્યાન દેવાતું ન હતું. જોકે સમગ્ર મુદ્દે સમાચારો પ્રસિદ્ધ થતાં ગાંધીનગર મનપા સફાળુ જાગ્યું હતું. કોરોનાની શરૂઆતથી સરકારે બાયોમેટ્રિક હાજરી પર રોક લગાવી દીધી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા 20 ઓગસ્ટથી બાયોમેટ્રિક મશીનથી હાજરી ન પુરવા પરિપત્ર બહાર પડાયો છે.
ગાંધીનગર: આ સમય દરમિયાન કર્મચારીએ બજાવેલી ફરજ માટે મહીનાના અંતમાં જે-તે શાખા અધિકારી દ્વારા હાજરી પ્રમાણિત કરીને મહેકમ શાખામાં આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા વિસ્તારમાં આઉટસોર્સિંગથી કામ કરતા સફાઈ કામદારોની શિફ્ટ બપોરે ત્રણ કલાકે પૂરી થાય છે. શિફ્ટ પૂરી થયા બાદ દરેક કામદારે સેકટર-6 ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં બાયોમેટ્રિક હાજરી પૂરાવી પડતી હતી. 150થી વધુ સફાઈ કામદારો દરરોજ લાઈનો લગાવતા ભારે ભીડ થતી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું ન હતું. જે મુદ્દે હવે મનપા દ્વારા તમામ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી બંધ કરાવી દીધી છે.