ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી ધોરણ-10/12ની બોર્ડ પરીક્ષા શરૂ, પેપર લીક અટકાવવા APP લોન્ચ કરાઇ - બોર્ડ પરીક્ષા

આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે રાજ્યની વિવિધ શાળાઓમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રથમવાર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષા પહેલા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

CBSE
CBSE

By

Published : Mar 5, 2020, 9:46 AM IST

Updated : Mar 5, 2020, 10:02 AM IST

ગાંધીનગરઃ આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે રાજ્યની વિવિધ શાળાઓમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રથમવાર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષા પહેલા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારકિર્દી માટે મહત્વની માનવમાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રગતિનું પ્રથમ સોપાન છે. આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ આખું વર્ષ ખૂબ જ મહેનત કરતાં હોય છે, ત્યારે આજથી સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. જેને લઈ તમામ તૈયારીઓ બોર્ડ દ્વારા કરી લેવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-10ની પરીક્ષા 5 માર્ચથી 17 માર્ચ દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા 5 માર્ચથી 16 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચના રોજ પૂર્ણ થશે. બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં નવા 41 કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ 25 જેટલા કેન્દ્રો બંધ કરી નજીકના કેન્દ્રમાં મર્જ કરવામાં આવ્યાં છે.

ધોરણ-10માં સંખ્યામાં ઘટી

આ વર્ષે ધોરણ-10ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી આ વખતે 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જો કે, ગત વર્ષે ધોરણ-10ની પરીક્ષામાં 11.59 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, આ વખતે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

પેપર લીકને અટકાવવા એપ લોન્ચ

ગુજરાત શિક્ષણ બોર્ડે, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી બોર્ડ દ્વારા ખાસ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઈ ફરિયાદ ન ઊઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ધોરણ-10 અને 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3.18 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. જેમાં સુરતમાં 1.63 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. સુરતમાં ધોરણ 10 બોર્ડના 93,787 વિધાર્થીઓ અને ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહના 52,618 વિધાર્થીઓ, ધોરણ 12 બોર્ડ નવા વિજ્ઞાન પ્રવાહના 14,820 વિધાર્થીઓ, જ્યારે ધોરણ 12 બોર્ડ જૂના વિજ્ઞાન પ્રવાહના 2305 વિધાર્થીઓ નોંધાયા છે. 516 બિલ્ડીંગ અને 5637 બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ-10 બોર્ડમાં 27150 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9390 વિદ્યાર્થીઓ, તો વિજ્ઞાન પ્રવાહમાં 4540 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જામનગરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પેપર ટ્રેકિંગ નામની એપ લોન્ચ કરવામાં આવી છે. શહેરમાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ 30516 છે. તમામ પરીક્ષા કેન્દ્રોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પેપર ટ્રેકિંગ નામની જે એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમજ, કુલ પાંચ જેટલા અધિકારીઓના થંમ્બનેલ આ એપમાં નાખ્યા બાદ જ એપ કાર્યરત થશે.

વિદ્યાર્થીઓ હળવાશથી અને નિશ્ચિંત રીતે પરીક્ષા આપે તેવી અપીલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કહેવાયું છે કે, તમામ વિદ્યાર્થીઓ CCTVની નજર હેઠળ પરીક્ષા આપશે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે એવી શંકાના આધારે કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ વિદ્યાર્થીઓને પરીક્ષા હૉલમાં માસ્ક અને સેનિટાઈઝર લઈ જવાની મંજૂરી આપી છે. બુધવારે સાંજે CBSEએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી. CBSEએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતા તરફથી પરીક્ષા હૉલમાં ફેસ માસ્ક અને સેનિટાઈઝર લઈ જવા મુદ્દે અનેક સવાલ કરાઈ રહ્યા હતા, ત્યાર પછી અમે નિર્ણય કર્યો છે કે, જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ પરીક્ષા હૉલમાં પણ માસ્ક અને સેનિટાઈઝર લઈને જઈ શકે છે.

CBSEની જાહેરાત પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ રાજ્યો અને CBSEના વિદ્યાર્થીઓને કોરોના વાયરસ વિશે જાગૃત કરવાના દિશાનિર્દેશ આપ્યા હતા. મંત્રાલય તરફથી કહેવાયું હતું કે, વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવવા માટે તેમને હાથ ધોવાનું, ખાંસતી કે છીંકતી વખતે રૂમાલનો ઉપયોગ કરવાનું અને બિમાર હોય તો સ્કૂલ કે બીજા જાહેર સ્થળોએ નહીં જવાની સતત સલાહ આપવી જરૂરી છે. જેનાથી કોરોના વાઈરસ ફેલાતો અટકાવવામાં જ નહીં, ફ્લૂ જેવી બિમારીઓ રોકવામાં પણ મદદ મળશે.

ધોરણ-10ની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

5-3-20 ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, તામિલ, તેલુગુ, ઉડિયા (તમામ પ્રથમ ભાષા)

7-3-20 વિજ્ઞાન

11-3-20 ગણિત

13-3-20 સામાજિક વિજ્ઞાન

14-3-20 ગુજરાતી (દ્વિતીય ભાષા)

16-3-20 અંગ્રેજી (દ્વિતીય ભાષા)

17-3-20 હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દૂ (તમામ દ્વિતીય ભાષા), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેશ, ટ્રાવેલ ટૂરિઝમ, રીટેઈલ

ધોરણ-12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

5-3-20 ભૌતિક વિજ્ઞાન

7-3-20 રસાયણ વિજ્ઞાન

11-3-20 જીવ વિજ્ઞાન

12-3-20 ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તામિલ (તમામ પ્રથમ ભાષા), ગુજરાતી (દ્વિતીય ભાષા), હિન્દી (દ્વિતીય ભાષા), સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યૂટર એજ્યુકેશન

14-3-20 ગણિત

16-3-20 અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)

ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ વિષય

5-3-20 નામાનાં મુળતત્વો

6-3-20 આંકડાશાસ્ત્ર, ઈતિહાસ

7-3-20 તત્વજ્ઞાન

11-3-20 અર્થશાસ્ત્ર

12-3-20 ભૂગોળ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર

13-3-20 વાણિજ્ય વ્યવસ્થા, સામાજિક વિજ્ઞાન

14-3-20 મનોવિજ્ઞાન

16-3-20 ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, અંગ્રેજી, તામિલ (તમામ પ્રથમ ભાષા)

17-3-20 હિન્દી (દ્વિતીય ભાષા)

18-3-20 ગુજરાતી (દ્વિતીય ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)

19-3-20 કમ્પ્યૂટર પરિચય

20-3-20 સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત

21-3-20 સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર

Last Updated : Mar 5, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details