ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો મહત્વનો ચુકાદો આવતીકાલે 10:30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે. અયોધ્યાના ચુકાદાને લઇને ગુજરાતમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસ વડા દ્વારા તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા રાજ્યની પોલીસને વધુ સુરક્ષા આપવાની સુચના આપવામાં આવી છે.
જેમાં વધારાની પોલીસ અને SRPને તૈનાત કરવાની સૂચના સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અધિક ગૃહ સચિવ અને DGPએ તમામ રેન્જ આઈજી-પોલીસ કમિશ્નરને સૂચના આપી છે.
અયોધ્યા ચુકાદો: ગુજરાતમાં હાઈ એલર્ટ, રાજકીય કાર્યક્રમો રદ, CM શિડ્યુલમાં પણ ફેરફાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં RAFની વિવિધ ટીમને ડિપ્લોય કરવામાં આવશે. જ્યારે વહેલી સવાર સુધી તમામ એજન્સીને પોઝિશન લેવા માટે સુચના આપવામાં આવી છે. જ્યારે પોલીસનું સાયબર સિક્યુરિટી વિભાગ પણ સોશિયલ મિડીયા પર પણ નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારને કારણે ભાજપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ અયોધ્યા ચુકાદાને લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ સ્નેહમિલનના કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોરના ત્રણ કલાકથી રાજકોટના અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા પરંતુ અયોધ્યાના ચુકાદાને કારણે તેઓએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.