ગાંધીનગરઃ વર્ષ -2002 એ ગુજરાત માટે દુઃખમય રહ્યું છે. ફેબ્રુઆરીમાં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ પર થયેલા હુમલો અને આગચંપી અને ત્યાર બાદના કોમી દાવાનળે ગુજરાતમાં મોટી જાનહાનિ સર્જી હતી. ગુજરાતને હજી આ ત્રાસદીથી માંડમાંડ કળ વળતી હતી , ત્યાં જ 24, સપ્ટેમ્બર-2002ના રોજ ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરની પરિસરમાં બે આતંકીઓ ઘુસીને અંધાધુંધ ફાયરિંગ કરી આંતક મચાવ્યો. જેના કારણે 30 નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ બનાવની તારીખે બે આંતક વાદીઓ અમદાવાદના કાળુપુર સ્ટેશને ઉતર્યા. ત્યાંથી એમ્બેસેડર કાર દ્વારા ગાંધીનગર અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે જેકેટ પહેરેલા આ બંને ત્રાસવાદીઓએ ખભા પર બેગ લટકાવીને મંદિર પરિસરમાં ઘુસ્યા હતા. જેમની બેગમાં AK-47 ગન અને ગ્રેનેડ હતા. બંને આતંકવાદી મુર્તઝા હાફિઝ યાસીન અને અશરફ અલી મોહમંદ ફારુકની હરકતને પામીને મંદિર સિક્યોરિટીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રોકાવાને બદલે આ ફિદાયીન ત્રાસવાદીઓએ સીધા જ AK-47 ગનથી અંધાધૂંધ ગોળીબાર શરુ કર્યો. ગોળીબારનો અવાજ સાંભળીને મંદિરના એક કાર્યકરે મંદિર નો દરવાજો તુરત જ બંધ કર્યો. જેનાથી અનેક લોકોના જીવ બચ્યા હતા. મંદિર તંત્ર દ્વારા સત્વરે પોલીસ કંટ્રોલેને હુમલાની જાણકારી અપાઈ હતી. સત્વરે ગાંધીનગર પોલીસ અક્ષરધામ પહોંચી ગઈ હતી. પોલીસે તરત આવી મંદિર પરિસરમાં ફસાયેલા 300થી વધુ લોકોને સલામત રીતે બહાર નીકાળ્યા. તેમજ આતંકવાદીઓ સામે ઝીંક ઝીલી હતી. સાંજે અંધારું થતા ફ્લડ લાઇટની પણ વ્યવસ્થા કરાઇ હતી.
અડવાણી તાત્કાલીક ગુજરાત આવી પહોંચ્યાઃ સાંજ સુધીમાં બંને ત્રાસવાદીઓ મંદિર પરિસરમાં સમયાંતરે ગોળીબાર કરતા તો ક્યારેક ગ્રેનેડ ફેંકતા-ફેંકતા છુપાતા જતા હતા. રાત્રે આઠ વાગે આતંકવાદીઓએ ગોળીબાર વધાર્યો અને સમગ્ર પરસિર પર પોતાનો કબજો જમાવ્યો હતો. મંદિર પરિસરમાં પોલીસે પણ સામે ગોળીબાર કરીને આતંકવાદીઓને નિયંત્રિત રાખ્યા. રાજ્યના તત્કાળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અક્ષરધામ હુમલાની સાંજે પાંચ વાગે જાણ થઈ હતી. આંતકવાદી હુમલાને નાથવા માટે ગાંધીનગર સાંસદ અને તત્કાલીન નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીને ફોનથી નરેન્દ્ર મોદીએ જાણ કરી. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં સ્પેશિયલ ફલાઇટ દ્વારા નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડોને લઈને એલ.કે. અડવાણી અમદાવાદ પહોંચ્યા હતા.
સવારે 5.30 કલાકે અક્ષરધામ મુક્ત થયુંઃ રાત્રે આશરે સાડા અગિયાર વાગે એનએસજી કમાન્ડોએ અક્ષરધામનો કબજો સંભાળ્યો અને મંદિર પરિસર પાસેના એક્ઝિબિશન હોલ પાસે છુપાઇને ગોળીબાર કરતા બંને આતંકવાદીઓને નિયંત્રિત રાખ્યા. એનએસજી કમાન્ડોએ સત્વરે એક આતંકવાદીને ગોળીએ વીંધી નાંખ્યો પણ બીજો આતંકવાદી હજી પણ સક્રિય રહી ગોળીબાર કરતો હતો. રાત આખી સામ-સામા ગોળીબાર બાદ સવારે સાડા પાંચ વાગે બીજો આતંકવાદીને એનએસજી કમાન્ડોએ ઠાર માર્યો અને અક્ષરધામ મંદિર પરિસરથી બંને આતંકવાદીઓથી મુક્ત બન્યું હતુ. આ હુમલાના ઇજાગ્રસ્તોને એલ.કે.અડવાણી મળી હિંમત આપી હતી. મંદિર પરિસરને બંને આંતકવાદીઓથી મૂક્ત કરાતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે અક્ષરધામની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.
અક્ષરધામ હુમલાના સમયે મંદિર પરિસરમાં પહોંચનાર હું સૌથી પહેલો પત્રકાર હતો. મેં ચાલુ ગોળીબારમાં ઈ-ટીવી ગુજરાતીમાં ફોનો આપ્યો હતો. જેમાં દર્શકોને ફાયરિંગનો અવાજ સંભળાતા હતા. અમારી ઓફિસ અક્ષરધામની નજીક હતી, જેવી હુમલાની જાણ થઇ તો હું અને અમારાં કેમેરામેન ગીરીશ સોલંકી પહોંચ્યા હતા. અમારી સાથે ગાંધીનગર તત્કાલીન કલેકટર પણ હતા. અમે પરિસરમાં હતા, ને અક્ષરધામના ગેટ બંધ થયા. ઈજાગ્રસ્તોને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે સ્વયંસેવકો અને પોલીસ લઈ જતી હતી. સ્થાનિક પોલીસની બહાદુરીપૂર્વક કામગીરીથી આતંકવાદીઓેને એક્ઝિબિશન હોલ પાસે જ નિયંત્રીત રાખ્યા હતા. હુમલાને ઝડપથી નિયંત્રીત કરવા તત્કાલીન પોલીસ અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટે પહેલા મોરચો સંભાળ્યો હતો. તેઓ ઈજાગ્રસ્ત થયા હોવા છતાં સક્રિય રહયા હતા. અમારા વિઝ્યુઅલ્સ થકી વિશ્વએ અક્ષરધામ હુમલાના આરંભના દ્રશ્યો જોયા હતા. જ્યારે હું ઇ-ટીવી ન્યૂઝ ચેનલ પર ફોનો આપી રહ્યો હતો ત્યારે નજીકથી ગોળી પસાર થયા હોવાનું સ્મરણ છે...હર્ષલ પંડ્યા,(અક્ષરધામ હુમલાને કવર કરવા ગયેલા પ્રથમ પત્રકાર, ઈ-ટીવી ન્યૂઝ)
હુમલાના સાચા આરોપી કોણઃ અક્ષરધામ મંદિર પરના હુમલામાં જૈશ-એ-મહંમદ અને લશ્કર-એ-તોયબાનો હાથ હતો. બંને આતંકવાદીઓ મુર્તઝા હાફિઝ યાસીન અને અશરફ અલી મોહમંદ ફારુક પાકિસ્તાની નાગરિકો હતા. આતંકવાદીઓ પાસેથી મળેલા કાગળોમાં ઉર્દુ ભાષામાં લખાણ હતુ. પાકિસ્તાની આતંકવાદીઓને સ્થાનિકોની મદદ હતી. આ કેસમાં પોટાની વિશેષ કોર્ટે 2006માં આપેલા ચુકાદામાં આદમ અજમેરી, શાન મિંયાં, મુફ્તી અબ્દુલ કય્યુમ અને મોહમંદ સલીમ શેખને 10 વર્ષની કેદ અને અલ્તાફ હુસૈનને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. સલામતીના કારણોસર સાબરમતી જેલમાં જ અદાલત બેઠી હતી. આ પૈકી કેટલાક આરોપીઓ એ 11 વર્ષની કેદ ભોગવી અને છૂટી ગયા હતા. હજી 21 વર્ષે પણ અક્ષરધામ મંદિરના હુમલાના સાચા આરોપીઓ કોણ છે એ જાણી શકાયુ નથી.
પ્રમુખ સ્વામીની અપીલઃ અક્ષરધામ પરના હુમલાથી વ્યથિત ગુજરાતમાં ફરીથી અશાંતિ ન સર્જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે બાપ્સના સર્વેસર્વા પ્રમુખ સ્વામીએ શાંતિ અને સદ્ભાવ જાળવવા અપીલ કરી હતી. પ્રમુખ સ્વામીની અપીલને સમગ્ર ગુજરાતે નતમસ્તક સ્વીકારી હતી. રાજ્ય સરકારે પણ સત્વરે સલામતી અને સુરક્ષાના પગલા લઈને ગુજરાતને અક્ષરધામ મંદિરના હુમલા બાદ અનિચ્છનીય બનાવો થી મુક્ત રાખ્યું હતુ.
- પાટનગરનું સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ખુલશે, સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત
- શનિવારથી અક્ષરધામ મંદિરના કપાટ ખુલશે, તમામ લોકોને એન્ટ્રી