અમિત શાહના રોડ શોમાં બાબાસાહેબની પ્રતિમા સાફ કરી પરંતુ સરદાર પટેલ અને ગાંધીજીની પ્રતિમાનું શું..?
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે. નેતાઓ શહેરો અને ગામડાઓ ખૂંદી રહ્યા છે. આઝાદી સમયના નેતાઓના નામ લઈને મત માગી રહ્યા છે. ત્યારે આજે રવિવારે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા કલોલમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતીને લઈ અમિત શાહે બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી રોડ શોની શરૂઆત કરી હતી. ત્યારે રોડ શો જ્યાંથી શરૂ થઈ રહ્યો હતો, કલોલના પ્રવેશ દ્વાર ઉપર બે સાઈડમાં આવેલી મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાની સાફ કરવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી.
દેશમાં જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે નેતાઓને અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને મુક્ત કરાવનાર સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ચાચા નહેરુ જેવા નેતાઓ યાદ આવે છે. રાજકીય પાર્ટી દ્વારા એક પ્રકારે પોતાના નેતા હોય તેવી રીતે તેમના ફોટા અને બેનર દર્શાવી હક જતાવવામાં માગતો હોય છે. પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય તેની સાથે જ આઝાદીની લડતમાં સામેલ નેતાઓને રાજકીય પાર્ટીઓ ઓરમાયા દીકરાની જેમ દૂર ધકેલી દે છે. જ્યાં સુધી ગરજ હોય ત્યાં સુધી નેતાઓ ઉપયોગ કરતા હોય છે. ત્યારે દેશમાં વિવિધ જગ્યાએ દેશ માટે કાંઇક કરી છૂટ્યા અને ખરા અર્થમાં કહી શકાય તેવા લોક નેતાઓના સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે. ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા પણ સરદાર પટેલની બનાવવામાં આવી છે. ત્યારે આ પ્રતિમાની કેવી હાલત થઈ હતી તેનું વરવું ચિત્ર આજે જોવા મળ્યું હતું.