ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતાં. ત્યારે અમિત શાહે ગાંધીનગરમાં પોતાની લોકસભા વિસ્તારમાં આવેલ કેસરિયા ગરબામાં રાત્રિના 11 કલાકે હાજરી આપી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા અને ત્યારબાદ મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વચ્ચે આખી રાત બેઠક થઈ હોવાની વાતો વહેતી થઈ છે. મળતી માહિતી અનુસાર આ બેઠક હર્ષ સંઘવીના નિવાસસ્થાને થઇ હતી. આ બેઠકમાં સી. આર. પાટીલ હાજર હતાં કે નહીં તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જ્યારે બેઠક બાબતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ હર્ષ સંઘવી કાર્યાલયમાં હાજર ન હતાં.
13 ઓક્ટોબરના રોજ મળી હતી બેઠક :15 ઓક્ટોબરના મોડી રાત દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ હતી. તે પહેલાં 13 ઓક્ટોબરના દિવસે અચાનક જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને દિલ્હી બોલાવીને મોડી સાંજ સુધી બેઠક કરવામાં આવી હતી. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારમાં હાલમાં સીએમ સહિત ફક્ત 17 જ પ્રધાનો છે ત્યારે પ્રધાનમંડળના વધારો કરવાનો નિર્ણય કરવામાં આવી શકે છે એટલે હજુ 3 થી 5 જેટલા નવા પ્રધાનોનો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વધારો થઈ શકે છે.
સંગઠનમાં ફેરફારની શકયતાઓ : લોકસભા 2024 ચૂંટણી પહેલા જ જુલાઈ 2023માં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની સમય મર્યાદા પૂર્ણ થઈ છે પણ જે રીતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પાટીલે ભાજપને 156 બેઠક અપાવીને ઐતિહાસિક જીત અપાવી છે ત્યારે કેન્દ્રીય ભાજપ દ્વારા પાટીલને હજુ એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે અને 2024 સુધી સી.આર.પાટીલ જ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત રહેશે. ત્યારે નિયમ મુજબ સંગઠનમાં ફેરફાર થવાની શક્યતાઓ સંપૂર્ણ રહી છે, આમ લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થઇ શકે છે. ગુજરાત સરકારના બોર્ડ નિગમ બાબતે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 જેવી બેઠકો પ્રાપ્ત થઈ છે. સ્થાનિક સ્વરાજથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપ છે. એટલે બોર્ડ નિગમ કે વિસ્તરણનો મામલો નથી પણ લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે આવી ચર્ચાઓ ચાલે તે સ્વાભાવિક છે. પણ લોકસભાની ચૂંટણીમાં મૂરતિયાઓ નક્કી કરવા બાબતે અને સંગઠનમાં ચાલી રહેલા ભાંજગઢને ઠીક કરવા બાબતે આ બેઠકોનો દોર હોય તેવું વધુ લાગી રહ્યું છે....જયવંત પંડ્યા (રાજકીય વિશ્લેષક )