કોંગ્રેસના ડેલીગેશન દ્વારા આજે રાજ્યપાલ દેવવ્રતને લેખિતમાં રજૂઆત ગાંધીનગર :નર્મદા સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડ્યા બાદ નર્મદા અને ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટેની સહાય જાહેર કરી છે. ત્યારે સહાય ફક્ત મજાક પૂરતી હોવાનું કરીને કોંગ્રેસના ડેલીગેશન દ્વારા આજે રાજ્યપાલ દેવવ્રતને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં રાજ્ય સરકાર વધુમાં વધુ સહાયની ચુકવણી કરે ઉપરાંત પ્રભાવિત વિસ્તારમાં 10 દિવસની કેસડોલ્સ જાહેર કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને રજૂઆત : કોંગ્રેસ પક્ષના ડેલીગેશન દ્વારા આજે રાજ્યપાલને લેખિત રજૂઆત કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે, ગઈ કાલે વડાપ્રધાને ગુજરાતમાંથી વિદાય લીધી. ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં હતા. એ સમયે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સારા પેકેજની જાહેરાત કરશે એવી અપેક્ષા હતી, પણ એમ ન થયું. એટલે અમે આજે રાજ્યપાલને મળ્યા છીએ. આજે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે રજૂઆત કરી છે.
કોંગેસ પ્રમુખના આક્ષેપ : શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, નર્મદા વિભાગના પૂર્વપ્રધાન તરીકે સમજી શકું છું કે, 19 લાખ ક્યુસેક પાણી છોડવાની જરૂર ન હોય. પૂર હોનારત માટેની ફુલપ્રુફ સિસ્ટમ છે. ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી અહીં પહોંચતા 18 કલાક થાય છે. આ સમય દરમિયાન પાણી છોડવાની શરૂઆત કરવામાં આવે તો પૂર કંટ્રોલ થઈ જ જાય. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ જ ડેમ છલકાશે અને દરવાજા ખોલાશે, આવું બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય ? આ માનવસર્જિત આપદા છે. વેધર ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાં ક્યાંય એમ નથી કે વાદળ ફાટ્યું.
સિટીંગ જજ દ્વારા તપાસની અપીલ : કોંગ્રેસના સિનિયર આગેવાનો દ્વારા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના સિટીંગ જજ દ્વારા તપાસ કરાવવા માંગ કરી હતી. જેમાં રાજયપાલે સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની હૈયાધારણા આપી છે. ઉપરાંત જો તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કોંગ્રેસ જનતાની અદાલતમાં જશે ઉપરાંત અન્ય સામાજિક સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો સાથે કોર્ટના દ્વાર ખખડાવી શકે છે.
સરકાર પર ચાબખા :શક્તિસિંહ ગોહિલે વધુમાં બીજી માંગ બાબતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે સહાય કરવામાં આવી છે. એ મજાક સમાન સહાય આપી છે. સવા લાખ રુપીયામાં નવું ઘર કેવી રીતે ઊભું થાય ? વેપારનો નાશ થયો છે, ત્યારે વ્યવસ્થિત પેકેજ મળે તેવી અમારી માંગ છે. આશ્રમ સદંતર નુકસાન પામ્યા છે, માનવ જીવથી વધારે કિંમતી કંઈ નથી. ત્યારે શુક્લ તીર્થ પાસે એક આદિવાસીએ જીવ ગુમાવ્યો છે. સરકાર આ વાત છુપાવે છે. જ્યારે હજુ સુધી પરિવારને સહાય પહોંચી નથી. આમ વાઈબ્રન્ટ સમિટમાં મોટી રકમ ફાળવતા હોય તો આ મામલે પણ અડધો કે પા ટકા રકમ ફાળવે તો પણ રાહત મળશે.
સરકાર પર પ્રહાર :ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન સાથેના આક્ષેપો કર્યા હતા કે, વડાપ્રધાનનો બર્થ ડે ઉજવાય અને લાખો લોકોની તબાહી થાય એ સરકાર સર્જિત આફત હતી. લોકોને આશા હતી કે સરકાર અસરગ્રસ્ત વિસ્તારમાં માનવતાના ધોરણે વિશેષ પેકેજ આપશે. ભાષણમાંથી ફુરસદ મળ્યા બાદ વડાપ્રધાન જશે એમ હતું પણ એવું ન થયું. જ્યારે લોકોના આક્રોશ અંગે અમે વિગતવાર રાજ્યપાલને રજૂઆત કરી છે. આગોતરા આયોજન કરીને પાણી રોકવામાં આવ્યું અને ચેતવણી આપ્યા વગર લાખો ક્યુસેક પાણી છોડવાથી આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ નુકસાન થયું છે.
વિપક્ષની માંગ : અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, રાજ્યપાલ પાસે માંગ કરી છે કે સાચું નુકસાન થયું છે તેનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે. અસરગ્રસ્ત તમામ લોકોને 10 દિવસની કેસ ડોલ આપવામાં આવે, દરેક પરિવારને ઓછામાં ઓછી 20 હજાર ઘર વખરી માટે સહાય કરવામાં આવે, પશુ મૃત્યુનું અલગથી પેકેજ આપવામાં આવે, વેપારીને થયેલા નુકસાન માટે પણ સાચો સર્વે કરી તેમની નુકસાનીનું વળતર આપવામાં આવે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેમના મકાન તૂટ્યા છે તેમને મકાન આપવામાં આવે. આ સમગ્ર આફત સરકારની ભુલને કારણે ઈરાદાપૂર્વક થઈ છે. ત્યારે ચોક્કસ સમયગાળામાં હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના સિટીંગ જજ દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.
- Business and Trade Assistance : વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા વ્યાપારી અને ધંધાર્થીઓ જોગ રાજ્ય સરકારની મોટી જાહેરાત
- Narmada River Floods: પૂરને લઈને કોંગ્રેસના આક્ષેપ પર સરકારનો જવાબ - અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમ કાર્યરત, 4 લાખથી વધુ લોકોનું કર્યું સર્વેલન્સ