ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો કરો વાત: મહાપાલિકામાં ટેન્ડર આપી દીધા બાદ ખબર પડી કે ગોટાળા છે !! - it was found out that there is a scam

ગાંધીનગર મહાપાલિકામાં ટેન્ડર પોતાના અંગત અને માનીતા લોકોને જ ગોટાળા કરીને ફાળવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત થયાં છે. માનીતી એજન્સી માટે નિયમોની અવગણના કરવાના વિવાદો બહાર આવ્યા બાદ તંત્રની ગંભીર બેદરકરી બહાર આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં એજન્સીએ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતાં, પરંતુ તેની ચકાસણી થઈ ન હતી. જેના કારણે એજન્સીને રૂપિયા 77 લાખનું ટેન્ડર મળ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા થયેલી ભલામણના આધારે સ્ટેન્ડિંગ કમિટીએ બે મહિના અગાઉ આ ટેન્ડરને મંજૂરી પણ આપી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ અધિકારીઓને કંપનીની પોલ અંગે જાણ થઈ હતી અને આ એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી તેને ડિસ્ક્વોલિફાય કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ભલામણ કરાઈ છે.

લ્યો કરો વાત: મહાપાલિકામાં ટેન્ડર આપી દીધા બાદ ખબર પડી કે ગોટાળા છે !!
લ્યો કરો વાત: મહાપાલિકામાં ટેન્ડર આપી દીધા બાદ ખબર પડી કે ગોટાળા છે !!

By

Published : Aug 4, 2020, 2:13 AM IST

ગાંધીનગર: મહાપાલિકાની આગામી બુધવારે સ્થાયી સમિતીની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડની ખરીદીની મર્યાદામાં 300 નંગનો વધારો કરવા માટે કમિશનરે કરેલી ભલામણ અંગે નિર્ણય લેવાશે. આ સાથે મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે બળતણના લાકડા 80 રૂપિયા પ્રતિ ટનની કિંમતે લેવા નિર્ણય થશે. પાંચમી જૂને સ્થાયી સમિતીએ મહાકાલી સોઈંગ મસીન એન્ડ આયર્ન વર્ક્સનું ટેન્ડર મંજૂર કર્યું હતું. રમતગમતના સાધનોની કીટ લગાવવા માટે કંપનીએ ભરેલા રૂપિયા 77.17 લાખના ભાવ એલ-1 આવ્યા હતાં. કંપનીએ અંદાજિત કિંમત કરતાં 39.11 ટકા નીચા ભાવ ભરતા તેનું ટેન્ડર મંજૂર કરાયું હતું.

હવે બે મહિના બાદ આ એજન્સીને ડિસ્ક્વાલિફાય કરવા માટે ભલામણ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ થયેલી દરખાસ્ત મુજબ, આ એજન્સીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી હતી. એજન્સીએ બે નગરપાલિકામાં કામ પૂર્ણ કર્યું હોવાના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જે ખોટા હોવાનું જણાયુ હતું. જેથી તેને ડિસ્ક્વાલિફાય કરવા અને ડિપોઝિટ જપ્ત કરવા સ્થાયી સમિતી સમક્ષ ભલામણ કરાઈ છે. મહિનાઓ સુધી ચાલેલી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન એજન્સીની પોલ પકડાઈ નહતી, પરંતુ અચાનક જ મનપા તંત્રનું ધ્યાન આ બાબતે આવતાં આશ્ચર્ય સર્જાયું છે.

કોરોનામાં કરકસરના બદલે કરોડોનો ખર્ચ

રાજ્ય સરકારે કરકસર કરવા માટે કવાયત હાથ ધરી છે અને અમદાવાદ મનપાએ રૂપિયા 1000 કરોડના કામ અટકાવી દીધા છે. જો કે ગાંધીનગર મનપામાં ઊલ્ટી ગંગા વહે છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા કામ હાથ ધરવા માટે તંત્ર સજ્જ થઈને બેઠું છે. રૂપિયા 25 કરોડના ખર્ચે 18 બગીચાઓનું નવીનીકરણ કરવા કવાયત હાથ ધરાઈ છે. વર્ષોથી આ બગીચાઓ ઉજ્જડ બનેલા છે અને તેની કાળજી સુદ્ધાં રખાઈ નથી. ત્યારે કરકસર કરવાના બદલે આ બગીચાઓના નવીનીકરણ માટેની ઉતાવળથી આશ્ચર્ય સર્જાયું છે.

નગરજનો માટે નહિ પણ એજન્સીઓના માટે મનપા સાધનો ખરીદશે

ગાંધીનગરમાં સફાઈની તમામ કામગીરી એજન્સીઓને સોંપી દેવામાં આવી છે. સાધનો અને સ્ટાફ સહિતની તમામ જવાબદારી એજન્સીઓને સુપરત કરવામાં આવી છે, પરંતુ એજન્સીઓના લાભ માટે રૂપિયા 36.82 લાખના સફાઈના વાહનો ખરીદવા માટે મ્યુનિસિપલ દ્વારા નિર્ણય લેવાયો છે. એજન્સીઓ પાસે સાધનો ખરીદ કરાવવા બદલે મનપા દ્વારા લાખો રૂપિયા ખર્ચવાની આ કવાયતના પગલે આગામી સમયમાં વિવાદ સર્જાવાની ભીતિ છે. અગાઉ, પણ મનપાએ ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન માટે કરોડો રૂપિયાના વાહનો એજન્સીને આપ્યા હતાં. હાલ આ તમામ વાહનો કંડમ થઈ ગયા છે, ત્યારે વધુ એક વખત એજન્સી માટે ખર્ચો કરવાની કવાયત આશ્ચર્યજનક છે.

ABOUT THE AUTHOR

...view details