- અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રક નદી( Vatrak River )ના પાણીથી ભરાશે
- 4,695 એકર જમીનને બારમાસી સિંચાઇનો લાભ મળશે
- સિંચાઇ સુવિધા અને પાણીની ઉપલબ્ધતા માટે લેવાયો નિર્ણય
ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક નદી ( Vatrak River ) આધારિત જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ, માલપુર, અને મોડાસાને ખેતીવાડી માટે સિંચાઇની સુવિધા આપવા 117 કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત મેઘરજના 19, માલપુરના 36 અને મોડાસાના 5 તળાવ મળી કુલ 48 ગામોના 60 તળાવો વાત્રક નદીના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે. આ સાથે સિંચાઇથી વંચિત એવા 4,695 એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે. આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થશે.
5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવામાં આવશે
મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ રાજ્યના 14 જિલ્લાઓમાં 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વન બંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6,642 કરોડના માતબર ખર્ચે નાની મોટી 1,644 યોજનાઓ મારફતે કુલ 5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે. રાજ્યના 14 જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના 54 તાલુકાઓમાં આદિજાતિ વિસ્તારો મોટાભાગે ઉંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે. પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા રૂપિયા 117.13 કરોડની સિંચાઇ યોજનાને મંજૂરી