ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરોના વિકાસ માટે માળખાકીય વિકાસ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો અને અર્બન રોડ સ્કીમને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં શહેરના બ્યુટીફિકેશનના લાંબાગાળાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર, સુરત અને વડોદરાને વિવિધ વિકાસકાર્યો માટે નાણાંની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરોમાં લોકકલ્યાણના કાર્યો દ્વારા ટકાઉ વિકાસનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર, સુરત અને વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે 484 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
Published : Dec 14, 2023, 5:51 PM IST
424 લોક કલ્યાણના વિકાસ કાર્યોને મંજૂરી:શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 483.71 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ મેટ્રો શહેરોને કુલ 424 વિવિધ લોક કલ્યાણના વિકાસ કાર્યો માટે કુલ 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ પાટનગર ગાંધીનગરની ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ-ગુડાને ભાઇજીપુરાથી ગિફ્ટ સિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રસ્તાના કામો માટે 20.74 કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
કયાં કયાં વિકાસના કામોને મંજૂરી:
- ગાંધીનગર-કોબા હાઇવેને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની ખાડી કિનારે વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. આ વિસ્તારને નોલેજ હબ તરીકે વિકસાવવા માટે પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભાવિ ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 20.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રીએ રક્ષાશક્તિ સર્કલથી કોબા સર્કલ સુધીના રસ્તાના બ્યુટીફિકેશન અને લેન્ડસ્કેપિંગ અને બાંધકામ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામોની બે દરખાસ્તો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 10.70 કરોડ મંજૂર કર્યા હતા. નગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓમાં સિમેન્ટ કોંક્રીટના નવા રસ્તાઓ ફાળવવા મંજૂરી આપી છે.
- મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના કામો માટે સુરત અને વડોદરા મહાનગરપાલિકાને પણ ભંડોળની ફાળવણી કરી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનના નાનપુરા અને ઉત્તર ઝોનમાં કતારગામમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
- ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ હેઠળ ભૌતિક માળખાકીય સુવિધાઓના 21 કામો, સામાજિક માળખાકીય સુવિધાઓના 19 કામો અને શહેરી ગતિશીલતાના બે કામો સહિત 75 કામો માટે 151.25 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી માર્ગ યોજના હેઠળ રોડ કાર્પેટિંગ, રિ-કાર્પેટિંગ અને હયાત રસ્તાઓ અને ફૂટપાથ પહોળા કરવા સહિતના 175 કામો માટે સુરત મહાનગરપાલિકા માટે 63.81 કરોડ મંજૂર કર્યા છે.