ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાંચ વર્ષ પહેલા બે નવી બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. જેમાં એક 5 માળની અને એક 8 માળની બિલ્ડીંગનો સમાવેશ થાય છે. પાંચ માળની બિલ્ડિંગમાં ડોક્ટરોની ઓપીડી કાર્યરત છે. જ્યારે આઠ માળની બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટર અને ઓપરેશન બાદ દર્દીઓને રાખવામાં આવતા વોર્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ હવે આઠ માળની બિલ્ડિંગમાં 5થી 8 માળ બંધ કરવામાં આવશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઇન્ડોર બિલ્ડિંગના 4 માળ બંધ કરાશે...જાણો કેમ ?
રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલમાં રોજના બે હજાર જેટલા દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. ગાંધીનગર જિલ્લા સહિત પાડોશી જિલ્લાના દર્દીઓ પણ અહીંયા જ સારવાર લેવાનું યોગ્ય માનતા હોય છે. તેવા સમયે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આઠ માળની ઇન્ડોર બિલ્ડિંગના ચાર માળ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિર્ણય પણ લઈ લેવામાં આવે છે અને સિવિલના સત્તાધીશોને પણ જણાવી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વાઇરસ લગ્ન નાચ કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં વધતા આંકડાઓને લઈને અત્યાર સુધી અલગ-અલગ ચાર જગ્યાએ માત્ર કોરોના હોસ્પિટલ બનાવવાનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવેલો હતો, પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે તંત્ર દ્વારા પાટનગર હોવાના કારણે ગાંધીનગર શહેરમાં પણ કોરોના હોસ્પિટલ બનાવવાનું નક્કી કરી લીધું છે જેને લઇને ઇન્ડોર બિલ્ડિંગમાં આવેલા 5થી 8 માળમા કોરોના હોસ્પિટલ બનાવાશે.
સિવિલના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા ગાંધીનગરના તમામ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓને અમદાવાદ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ પાટનગર હોવાના નાતે આખરે અહીંયા પણ કોરોનાં હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરી લેવામાં આવે છે. જેને લઇને ઇન્ડોર બિલ્ડિંગને પસંદ કરવામાં આવી છે. હાલમાં 1થી 8 માળમાં અલગ-અલગ બોર્ડ કાર્યરત છે, ત્યારે નિર્ણય કરવામાં આવે છે કે, 1થી 4 માળમા તમામ વોર્ડ ખસેડી દેવામાં આવશે. જયારે 5થી 8માળમાં કોરોનાં હોસ્પિટલ કાર્યરત કરાશે. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતિ લાખાણીનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આદત મુજબ ફોન રિસીવ કર્યો ન હતો. જ્યારે તેમને વળતો ફોન કરીને જવાબ પણ આપ્યો ન હતો.