ગાંધીનગરઃ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે આ વખતે વિધાર્થીઓના શૈક્ષણિક સત્રમાં ઘટાડો કરવામાં આવશે. તેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકવામાં આવશે. એટલે કે, ધોરણ - 9થી 12નો અભ્યાસક્રમ 30 ટકા ઘટશે.
કોરોનાને કારણે સત્ર ટૂંકું થતા ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ: શિક્ષણ પ્રધાન - ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કોરોના સંક્રમણને કારણે શાળા અને કોલેજો લાંબા સમયથી બંધ રાખવામાં આવી છે, જેથી શૈક્ષણિક સત્ર ટૂંકું થયું છે. જે કારણે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે.
આ સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણ જગતના અનુભવી તજજ્ઞો સાથે મળીને આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ જૂન મહિનામાં લેવામાં આવશે. આ સાથે અભ્યાસક્રમમાં 30 ટકા કાપ થતા 70 ટકા અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નપત્ર કાઢવામાં આવશે. ધોરણ 10 અને 12માં ઉપયોગી પ્રકરણો 9 અને 11માં ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, જે અભ્યાસક્રમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી છે, તેને યથાવત્ રાખવામાં આવ્યો છે. આ નવા અભ્યાસક્રમ અંગેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલી દેવામાં આવશે.