- ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એક બોટમાં ફસાયેલા માછીમારોને બચાવ્યા
- માછીમારી કરવા ગયેલા 7 માછીમારોને બોટમાં આગ લાગતા બચાવવામાં આવ્યા
- ઇંધણ લીકેજ થાતા બોટમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી
ન્યૂઝ ડેસ્ક : ભારતીય કોસ્ટ ગાર્ડે (India Coast Guard) ફરી એકવાર પોતાની બહાદુરી અને તકેદારીથી માછીમારોના જીવ બચાવ્યા છે. ગુજરાતના ઓખા દરિયાકાંઠાથી 50 માઇલ દૂર અરબી સમુદ્રમાં (Arabian Sea) એક બોટમાં આગ લાગી હતી. તે ફિશિંગ બોટમાં માછીમારો પણ હતા. બોટમાં આગ લાગતાં હોબાળો મચી ગયો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડને આ માહિતી મળતા જ ત્યાં પહોંચી અને ઘટનાસ્થળેથી 7 માછીમારોને બચાવ્યા હતા. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, માછીમારોને ગુજરાતના ઓખા ખાતે લાવવામાં આવી રહ્યા છે.
ઇંધણ લીકેજ થતા બોટમાં આગ લાગી
ભારતીય તટરક્ષક દળનું જહાજ (ICGS) આરુષ રવિવારે નેશનલ IMBLની નજીકમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી હોડી ‘કળશ રાજ’ માં ફસાયેલા 7 માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ હોડીમાં એન્જિનમાંથી ઇંધણ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ICGS આરુષ કમાન્ડન્ટ (JG) અશ્વિની કુમારના કમાન્ડ હેઠળ મહત્તમ ઝડપે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.