દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના 2 ભવ્ય જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવ. શ્રાવણ માસમાં આ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે, ત્યારે દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરમાં સમગ્ર દેશમાંથી લોકો દર્શનાર્થે આવે છે. જે ખાસ કરીને શ્રાવણ માસના દરેક સોમવારે સવાર અને સાંજની મહાઆરતીનો લાભ લે છે. આ આરતીમાં ભક્તો શિવલિંગ ઉપર દૂધ અને પાણીનો જળાભિષેક પણ કરે છે.
શ્રાવણ મહિનામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના સમયમાં ફેરફાર કરાયો - દેવભૂમિ દ્વારકા ન્યૂઝ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કહેરના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે, ત્યારે ભારતમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં પણ આની અસર જોવા મળી રહી છે. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જેમાંના 2 જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં આવ્યાં છે.
ચાલુ વર્ષે કોરોના વાઇરસને કારણે તંત્ર દ્વારા મંદિરની બન્ને મહાઆરતીમાં ભક્તોને પ્રવેશ નહીં આપવાનો અને માત્ર પૂજારી પરિવાર દ્વારા જ આરતી કરવાનું જાહેરનામું બહાર પાવામાં આવ્યું છે.
આ ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ હવે ભક્તો માટે સવારે 7થી બપોરના 4 વગ્યા સુધી જ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત મંદિરમાં સોશિયલ ડિસ્ટેન્સની સાથે સાથે ફરજિયાત માસ્ક પહેરનારા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.