દેવભૂમિ દ્વારકા : પવિત્ર દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે અહીં અનેક ધાર્મિક સ્થળો તેમજ કુદરતી દરિયા કિનારો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે આગામી સમયમાં યાત્રિકો હવે સબમરીન મારફતે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના દર્શન પણ સબમરીન મારફતે કરી શકશે જે અંગેની વિગતો સામે આવતા યાત્રિકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સબમરીન દ્વારા જવાશે : દ્વારકાના દરિયામાં હજારો વર્ષ પૂર્વે મૂળ દ્વારકા ડૂબેલી હોય જેના અવશેષો પણ સમયાંતરે જોવા મળતા આ દરિયામાં ડૂબેલી દ્વારકાને જોવા માટે દુનિયાભરમાં ભારે ઉત્સુકતા હતી. ત્યારે આ ઉત્સુકતાનો અંત હવે ટૂંક સમયમાં આવશે તેવી જાહેરાત થઈ છે. આગામી સમયમાં દ્વારકાના દરિયામાં ડૂબેલી અતિ પૌરાણિક દ્વારકા નગરીને સબમરીન મારફતે યાત્રિકો નિહાળી શકશે. જે માટે મઝગાવ ડોક કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા સમજૂતી કરવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થશે.
24 પ્રવાસીઓ એકસાથે જઇ શકશે : મળતી માહિતી અનુસાર આ સબમરીનમાં એક વખતમાં 24 જેટલા યાત્રિક અને છ ક્રુ મેમ્બર દરિયામાં જઈ શકશે. ત્યારે દ્વારકાના દરિયામાં સબમરીન મારફતે યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિની સાથે અતિ પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળી શકશે. આમ હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી દ્વારકા નગરીના દર્શન હવે યાત્રિકો માટે સરળ બનવા જઈ રહ્યા છે.