- સલાયામાં બેકાબુ બનેલા ટોળાએ પોલીસ પર કર્યો હુમલો
- ટોળાએ પોલીસની PCR વાનને ઉંધી પાડી દીધી
- પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કાયદેસરના પગલા
દેવભૂમિ દ્વારકા : સલાયામાં ગુરૂવારે મોડીરાત્રે ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી, સલાયામાં બેકાબુ બનેલા ટોળાએ પોલીસની PCR વાન પર હુમલો કર્યો હતો અને PCR વાનને ઉંધી પાડી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં 2 પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
આ પણ વાંચો:સુરતમાં AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયા સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ
ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આગમન પહેલા બની ઘટના
જુલૂસ દરમિયાન સમગ્ર ઘટના બની હોવાની વિગતો બહાર આવી રહી છે, જોકે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજ શુક્રવારથી દેવભૂમિ દ્વારકાના 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે પ્રદીપસિંહના આગમન પહેલા જ સમગ્ર ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, બેકાબુ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસની PCR વાન પર તોડફોડ કરી છે, જોકે ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટમાં બનાવાયા 35 સ્માર્ટ બસસ્ટોપ, મહિલાઓની સુરક્ષા માટે ખાસ સીસીટીવી
હુમલો કરનાર શખ્સો સામે કાયદેસરના પગલા
ઉલ્લેખનીય છે કે, વિવિધ જગ્યાએ તાજીયાનો માતમ કરવામાં આવશે, ત્યારે સલાયામાં જે પ્રકારની ઘટના સામે આવી છે તે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની સાબિતી આપે છે. સલાયામાં બેકાબુ બનેલા ટોળા દ્વારા હંગામો મચાવવામાં આવતા તંગદીલી ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ અસામાજીક તત્વો સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે.