ડાંગઃ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ડાંગની ચારેય નદીઓ બે કાઠે વહી રહી છે. ડાંગમાં લાંબા અરસા બાદ વરસાદની રાહ જોઈ બેઠેલાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અંબિકા નદીના વહેણ તેજ બન્યાં હતાં. જેના કારણે વઘઇ નજીક આવેલો અંબિકા નદીનો ગીરાધોધ ખાતે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
ગુજરાત રાજ્યમાં ચેરાપુજી ગણાતા ડાંગ જિલ્લામાં લાંબા અરસા બાદ વરસાદે દસ્તક દેતા ડાંગના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ગત ત્રણ ચાર દિવસથી ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડાંગ જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યાં છે.