ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરીમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવની ઉજવણી કરાઇ - સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ

ડાંગ : રાજ્યના એકમાત્ર ગિરમથક સાપુતારા ખાતે તારીખ 11 જાન્યુઆરીના રોજ રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન અને ડાંગ જિલ્લા પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાયો હતો.

etv
ગિરીમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવની ઉજવણી

By

Published : Jan 12, 2020, 12:51 PM IST

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકતા રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આ પતંગ મહોત્સવના કારણે નવી દિશાની નવી પહેલથી ગુજરાતે શૂન્યમાંથી સર્જન કર્યું છે. દેશના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટિને કારણે આપણા ગુજરાત અને દેશનું નામ વિશ્વફલક ઉપર મુકાયું છે.

ગિરીમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવની ઉજવણી

આપણી સંસ્કૃતિ વિશ્વના લોકોને જાણવા મળે અને આપણા પ્રવાસન ઉઘોગનો વિકાસ થાય. હાલમાં આપણાં પ્રવાસન ઉઘોગની આવક રૂપિયા 600 કરોડ પર પહોંચી ગઇ છે. જેનાથી રોજગારીનું નિર્માણ થયું અને સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિના કારણે ગુજરાતે નવી ઓળખ ઉભી કરી છે.

ગિરીમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાયો

ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરૂણા અભિયાન શરૂ કરાયું છે. પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય અને તેઓની તાત્કાલિક સારવાર થાય તે માટે ટોલ ફ્રી નંબર 1962 શરૂ કરાયો છે. તેમજ હોસ્પિટલ અને ડોકટરોની ટીમ તૈનાત રખાઇ છે. ગત વર્ષે 19,000 પશુ-પક્ષીઓ ધાયલ થયા હતા. જેમાંથી 13,000ને બચાવી લેવાયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં સૂર્યદેવની પૂજા કરીને તલ, ગોળના લાડુ ધરાવવામાં આવે છે અને એકબીજાને ખવડાવવામાં આવે છે.

ડાંગ કલેકટર એન.કે.ડામોરે વિવિધ દેશોના કાઈટીસ્ટો તેમજ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસન ઉઘોગને વેગ અપાયો છે. ત્યારે આપણી ફરજ થઇ પડે છે કે, વિદેશોમાંથી કે ભારતભરમાંથી આવતા પ્રવાસીઓની સલામતિ જળવાય અને વિદેશી હુંડિયામણ આપણને મળે તેમજ રોજગારીની તકોનું નિમાર્ણ થાય.

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં આદિવાસી લોકનૃત્ય કલામંડળ, માલેગામ ડાંગી નૃત્ય, તેમજ કાલિકા યુવક મંડળ ચીંચલી દ્વારા પારંપારિક પાવરી નૃત્ય રજુ કરાયું હતું. સાધના ઈન્ટરનેશનલ સ્કુલ સાપુતારાની બાળાઓએ બોલીવુડ સોન્ગ રજુ કર્યું હતું. જવાહર નવોદય વિઘાલય સાપુતારાની બાલિકાઓએ ગણેશ વંદના, ગુજરાતી ગરબો રજુ કરી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતાં.

આ પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રસિયા, સીંગાપોર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટર્કી, ટયુનિશિયા, થાઈલેન્ડ, યુક્રેન, અમેરિકા, વિયેટનામના 50 પતંગબાજો અને ભારતના ઉત્તરપ્રદેશ, તમીલનાડુ, કેરલા, વેસ્ટ બેંગાલ, બિહાર, લક્ષદ્વીપ, કર્ણાટક, સિક્કીમના 39 પતંગબાજો મળીને કુલ-89 કાઈટીસ્ટોએ ભાગ લઇ દેશ-વિદેશના અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details