ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોમધખતા તાપમાં અહીં ગામ લોકોની એકતાને સલામ...

આહવા: ધોમધખતા ઉનાળામાં જ્યારે ચારેબાજુ પાણીની બૂમરાણ મચી છે, ત્યારે ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના સીમાડે આવેલા ભવાડી ગામના 165 મકાનના 888 લોકોને દરરોજ પૂરતા જથ્થામાં સમયસર પાણી પહોંચાડીને પાણી સમિતિ તેનાં સેવાકાર્યની સાથે-સાથે જિલ્લાની અન્ય પાણી સમિતિના સંચાલકો માટે સેવાનો મૂક સંદેશ પણ પ્રસરાવી રહી છે.

dang

By

Published : May 8, 2019, 12:02 PM IST

ચિંચિનાગાંવઠા ગૃપ ગ્રામ પંચાયતના ભવાડી ગામના સભ્ય અશોકભાઇ મોકાશીના જણાવ્યા અનુસાર, ખાપરી નદીની બાજુમાં પાંચ-છ વર્ષ અગાઉ સારવામાં આવેલા કૂવામાંથી ભવાડી ગામના અંદાજીત 130 જેટલા મકાનને નળ વાટે નિયમિત પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ઘરદીઠ દર મહિને રૂપિયા 40નો ફાળો એકત્ર કરીને પાણી સમિતિ દ્વારા પાણી વિતરણનું આયોજન ગોઠવવામાં આવીને ગામની તરસ છીપાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગામના બોર અને કૂવામાં કુદરતી મહેર સાથે ભરપૂર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણી સમિતિનું સંચાલન ગામના રમેશભાઇ ગોંડને સોંપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સ્પોટ ફોટો

અશોકભાઇએ વધુમાં ઉમેર્યું કે, ઉપલુ ફળિયુ અને નીચલુ ફળિયુ એમ બે ફળિયા ધરાવતા ભવાડી ગામના બંન્ને ફળિયામાં હાલમાં 12થી 15 બોર ચાલુ હાલતમાં હોવા સાથે વાસ્મોની ઘર જોડાણ યોજના થકી ગામમાં માથે બેડા મુકીને જતી સ્ત્રીઓના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. તેવી સંતોષકારક સ્થિતિ સાથે હેન્ડપંપ ઉપર પણ ક્યારેય બેડાં લઇને પાણી માટે વલખાં મારતા પ્રજાજનો નજરે પડતા નથી. ભવાડી ગામની પાણીની સાનુકૂળ સ્થિતિનો ખ્યાલ આપે છે.

સ્પોટ ફોટો

ગામ અગ્રણી મહેશભાઇ વળવીએ જણાવ્યું કે, ભવાડી ગામના નીચલા ફળિયામાં અંદાજીત 35 જેટલા મકાન માટે બોર અને સોલાર પંપ સાથે ઘર જોડાણ યોજના અમલી બનાવીને છે. નીચલા ફળિયાને પણ પૂરતુ પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે.

સ્પોટ ફોટો

ઉપલા ફળિયાના ગ્રામીણજન નાવજ્યાભાઇ મોકાશીએ ગામમાં પીવાના પાણીની સ્થિતિ એકંદરે સંતોષકારક હોવાનું જણાવી વપરાશી પાણી માટે પણ બોર અને ચેકડેમનો સહારો મળી રહે તેવું જણાવ્યું હતું. ગામના સીમાડે આવેલી ખાપરી નદીના પટમાં બનાવાયેલા બે ચેકડેમ કે જે દુરસ્ત કરી દેવામાં આવે તો હજી વધુ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે. ઉપલા ફળિયામાં અંદાજીત એકાદ એકર જેટલી જમીનમાં વર્ષભર ખેતી કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત ગીતાબેન મોકાશીએ તેમના લીલાછમ્મ ખેતરમાં એક બોર અને સોલાર પેનલનાં સહારે ધોમધખતા તાપમાં ઉનાળુ પાક ઉત્પાદન મેળવીને સુવિધાઓના અભાવના રોદણાં રડતા લોકોને મૂક સંદેશ પાઠવ્યો છે.

સ્પોટ ફોટો

મગ, મગફળી, ચોળી, સહિત ટીંડોળા, રીંગણ, આંબા-કાજુની કલમ, અને સફેદ મુસળીનું વાવેતર કરીને પોતાના પરિવારનું પેટીયું રળતા આ મહેનતકશ ખેડૂત ગીતાબેન મોકાશી તેમના ખેતરમાં સારેલા 225 ફૂટના બોર સાથે વીજ વિભાગની સોલાર પેનલ જોડીને 3 બી.એચ.પી.ની સબમર્શીબલ પંપ-મોટર ઉતારી દરરોજના 6થી 8 કલાક પાણી મેળવીને તેમના ખેતરની ફળદ્રૂપ જમીનની પ્યાસ બુઝાવવા સાથે ઉનાળુ પાકને ભરપૂર નીર સિંચિ રહ્યાં છે.

સ્પોટ ફોટો

ઘર વપરાશના પાણી માટે તેમના ઘરે 300 ફૂટના બોર સાથે પાણી સમિતિની પાણીની લાઇન મારફત ભરપૂર પાણી મેળવીને તેમના ઘર પરિવાર અને ઢોરઢાંખરની તરસ પણ તેઓ સૂપેરે છીપાવતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

સ્પોટ ફોટો

અગ્રણી ખેડૂત જયેશભાઇ મોકાશીએ વાતનો તંતુ સાધતા જણાવ્યું કે, ભવાડી ગામમાં એકતા અને સંપ સાથે ગામના દરેક લોકો સામૂહિક કે વ્યક્તિગત કાર્યમાં હંમેશા એકજૂટ રહેતા હોય છે. જેને કારણે અહીં કુદરતની હંમેશા મહેર રહેવા પામી છે. તેવું અગ્રણી ખેડૂત જયેશભાઇ મોકાશીએ વાતનો તંતુ સાધતા જણાવ્યું હતું.

સ્પોટ ફોટો

આમ, ઉનાળાની આ કાળઝાળ ગરમીના દિવસોમાં ચારેકોર જ્યારે પાણીની બૂમરાણ મચી રહી છે, ત્યારે ભવાડી ગામની પાણીદાર બીના જેહનને ઠંડક પહોંચાડવા સાથે પાણી સમિતિના વ્યવસ્થાપનની પણ ગવાહી પુરી પાડે છે.

ABOUT THE AUTHOR

...view details