આહવાઃ લોકડાઉનની પરિસ્થિતિમાં નાના કુટુંબો તેમજ વિધવા, જમીન વિહોણા ખેતમજૂરો તેમજ એપીએલ-1 હેઠળ આવતા કુટુંબોને ડાંગ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં અંદાજીત કુલ 40 હજાર જેટલી કીટ તૈયાર કરી કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ બાકી રહેતા તમામ લોકોને કીટ આપવાનું સેવાકાર્ય ચાલુ છે.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના નેતૃત્વ હેઠળ સમગ્ર ડાંગ જિલ્લામાં જુદા જુદા ગામે શિક્ષકો દ્વારા આપવામાં આવેલી અનાજ કીટનું વિતરણ કરાઇ રહ્યું છે. જે પૈકી રવિવારે માલેગામ ખાતે 200 કીટ અને જોગબારી ગામે 100 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજની આ કિટમાં 5 કિ.ગ્રા.ચોખા,1 કિ.ગ્રા. દાળ,1 કિ.ગ્રા.તેલ,1 કિ.ગ્રા.મીઠુ તેમજ ડુંગળી-બટાકા 1-1 કિ.ગ્રા.આપવામાં આવ્યા હતા.