ડાંગ: વિશ્વભરમાં કોરોના વાઇરસના આતંકની સામે લડવા તેમજ તેને ફેલાતો અટકાવવા સમગ્ર દેશમાં સરકારના દિશા નિર્દેશ અનુસાર અનેકવિધ પગલા લેવાઇ રહયા છે. શનિવારે આહવા જીલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, આપણો ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવતો પ્રાકૃતિક જિલ્લો છે. આપણા જિલ્લામાં કોરોના વાઇરસને અટકાવવા આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે.
કોરોના કહેર: ડાંગ જિલ્લા કલેકટરે વિવિધ ધર્મ અને સંપ્રદાયના સ્થાનિક વડાઓ સાથે બેઠક કરી
ડાંગ જિલ્લા કલેકટર એન.કે. ડામોરે કોરોના વાઈરસને અટકાવવા માટે ડાંગના વિવિધ ધર્મ અને સંપ્રદાયના સ્થાનિક વડાઓ સાથે બેઠક કરી હતી.
સ્થાનિક યુવા મંડળો, એન.એસ.એસ., એન.સી.સી. તેમજ વિવિધ ધર્મના વડાઓ, અગ્રણીઓએ લોકડાઉન અંગે સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ લોકોને જાગૃત કરવાના છે. છેવાડાના માનવીઓ સુધી કોરોના પ્રત્યે ગંભીરતા આવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવાનું છે. લોકડાઉન દરમિયાન લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું છે. સામાજીક, પોલીટીકલ, ધાર્મિક આગેવાનોએ એક થઇને લોકોને અપીલ કરવાની છે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, તમામ સરપંચોને જાણ કરી દેવામાં આવી છે. બહારથી કોઇ માણસો તમારા ગામમાં ન આવે તે જોવાનું રહેશે. સરહદી રાજ્યને જોડતા ડાંગના તમામ 11 નાકાઓ ઉપર આરોગ્યની ટીમ 24 કલાક ફરજ બજાવી રહી છે. કામ-ધંધાર્થે ગયેલા વ્યક્તિઓની તપાસણી કરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.