ડાંગ: ગુજરાત રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ લીમિટેડના ડી.ટાઇપ અને સુર્યા કોટેજીસના રિનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીનો ઈ પ્રારંભ કરાવાયો હતો.
સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી લગભગ રૂપિયા 3.67 કરોડના ખર્ચે રિનોવેશન અપગ્રેડેશનનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કોટેજીસમાં માળખાકીય મજબુતીકરણ, લેન્ડ સ્કેપિંગ તથા બેઠક વ્યવસ્થાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર તમામ ક્ષેત્રોના વિકાસ માટે કટિબદ્ધ છે, અને રાજ્યના પ્રવાસન ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ તથા પ્રવાસીઓની સંખ્યામાં થતા ઉત્તરોત્તર વધારો તેનો મજબૂત પૂરાવો છે. તેમ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાને જણાવ્યું હતું.
જવાહર ચાવડાએ ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગ જિલ્લામાં સાપુતારાની સાથે ગીરા અને ગિરમાળ ધોધ, બોટાનીકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ અને પમ્પા સરોવર સહિત ગાઢ જંગલો સાથે અખૂટ કુદરતી સંપતિ આવેલી છે. રાજ્ય સરકારે સ્થાનિક આદિજાતિ સમુદાયની કલા-કારીગરીને પ્રોત્સાહન આપવા માટે પણ નક્કર પ્રયાસો કર્યા છે. જેના કારણે ટકાઉ આજીવિકાનું સર્જન કરવામાં મદદ મળી છે, તેમ જણાવી આ રીનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની સગવડમાં વધારો થશે, તથા એક મજબુત માળખાનું નિર્માણ કરવામા મદદ મળી રહેશે તેમ ઉમેર્યું હતું.