માર્ખા ઘાટી(હિમાલય પર્વતમાળા): ડાંગના જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના પુત્રની આંખમાં નાનપણથી જ પર્વતારોહણ જેવા મોટા સપના સજેલા હતા. તેણે પર્વતારોહણ શોખને પોષવા ખૂબ જ મહેનત કરી. આજે તેણે સમગ્ર જિંદગી કરેલી મહેનતનું ફળ મળ્યું છે. આ યુવાને ટાટા સ્ટીલ ફાઉન્ડેશન તરફથી મળેલી સ્કોલરશિપને આધારે 21000 ફિટ ઊંચુ 'કાંગ યાત્સે' શિખર સર કર્યુ છે. આ શિખરને સર કરવું એ ભોવાન રાઠોડ માટે આસાન નહતું. આ 'મિશન ઈમ્પોસિબલ' તેણે અનેક પડકારોનો સામનો કરીને પાર પાડ્યું છે.
અનેક પડકારોથી ભરેલું 'મિશન ઈમ્પોસિબલ': ભોવાન રાઠોડે હિમાલય પર્વતમાળાની માર્ખા ઘાટીમાં હેમિશ નેશનલ પાર્ક વિસ્તારમાં 'કાંગ યાત્સે' શિખર આવેલું છે. આ શિખર 6400 મીટર એટલે કે 21000 ફિટની ઊંચાઈ પર છે. ટાટા સ્ટિલ દ્વારા ગુજરાતમાંથી એક માત્ર ભોવાન રાઠોડની માઉન્ટેનિંગ માટે પસંદગી થઈ હતી. દેશના અન્ય રાજ્યોના કુલ 12 સાહસિક યુવાનોની ટીમ શિખર 'કાંગ યાત્સે' સર કરવા નીકળી હતી. આ સફર ધાર્યો એટલો સહેલો નહતો. ભોવાન રાઠોડ અને તેમની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. 12માંથી પહેલા 3 અને બાદમાં 4 એમ કુલ 7 યુવાનોની ઓક્સિજનની કમીના કારણે તબિયત લથડી ગઈ હતી. આ 7 યુવાનોનું રેસ્ક્યુ કરીને બેઝ કેમ્પ ખાતે મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી. બાકીના 5 યુવાનો ગ્લેશિયર પીગળવાનું શરૂ થાય તે પહેલા જ મહામહેનતે 'કાંગ યાત્સે' શિખર સર કર્યું. આ પાંચેય બહાદુર યુવાનોએ એક સાથે 'કાંગ યાત્સે' શિખર પર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો.