ડાંગઃ કૉંગ્રેસ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસે લોકસભા ચૂંટણીમાં સફળતા મેળવવા માટે કમર કસી છે. જે અંતર્ગત પક્ષે જિલ્લા સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. કૉંગ્રેસ દ્વારા ગુજરાતમાં નવી ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્યો સહિત દિગ્ગજ નેતાઓને 10 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશ પટેલની વરણી કરવામાં આવી છે. મુકેશ પટેલની વરણી થયા બાદ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે.
નિષ્ઠાવાન કૉંગ્રેસીઃ મુકેશ પટેલએ ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી ગણાય છે. તેમણે ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે 3 વર્ષ, મહામંત્રી તરીકે 2 વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. મુકેશ પટેલે કાલીબેલ વિસ્તારમાં તેમણે કૉંગ્રેસ પક્ષ માટે બહુ કાર્ય કર્યુ છે. 2015માં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસ તમામ બેઠકો જીતે તે માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ નાનપણથી જ કૉંગ્રેસના પ્રચારમાં સક્રિય રીતે સંકળાયેલા છે. મુકેશ પટેલ પાર-તાપી નદીના જોડાણ યોજનાની વિરોધી ચળવળનો પ્રમુખ ચહેરો રહ્યા હતા. કેવડિયા બચાવ આંદોલન સમિતિના ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ડાંગના આદિવાસીઓમાં કૉંગ્રેસ સંગઠન માટે અગ્રેસર અને એક વફાદાર પાયાના કાર્યકર તરીકે ઓળખાતા યુવા નેતા છે.