ગુજરાત

gujarat

ETV Bharat / state

Diwali 2023: દિવાળી પર્વે આદિવાસીઓ ધન ધાન્યની દેવી કંસેરી માતાની કરે છે માવલી પૂજા, આ પૂજાનું વિશેષ મહત્વ છે - શરીર પર માર

દિવાળીના દિવસોમાં આદિવાસીઓ દ્વારા ધન ધાન્યની દેવી કંસેરી માતાની કરે છે માવલી પૂજા. શા માટે આ પૂજા કરવામાં આવે છે?, આ પૂજાના વિશેષ મહત્વ વિશે વાંચો વિગતવાર

દિવાળી પર્વે આદિવાસીઓ ધન ધાન્યની દેવી કંસેરી માતાની કરે છે માવલી પૂજા
દિવાળી પર્વે આદિવાસીઓ ધન ધાન્યની દેવી કંસેરી માતાની કરે છે માવલી પૂજા

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 6:26 PM IST

માવલી પૂજાની ચોક્કસ વિધિ છે અને આ પૂજાનું વિશેષ મહત્વ છે

વલસાડઃ જળ, જંગલ અને જમીનને ભગવાન ગણતા અને પ્રકૃતિની પૂજા કરતા આદિવાસીઓમાં આજે પણ પરંપરાગત પૂજાઓનું સવિશેષ મહત્વ જોવા મળે છે. આદિવાસીઓ દ્વારા આ પૂજાને પ્રાચીન પદ્ધતિથી જ કરવામાં આવે છે. દરેક પ્રકારની વિધિને પણ યોગ્ય રીતે પૂરી કરવામાં આવે છે. આવી જ એક ખાસ પૂજા છે માવલી પૂજા. માવલી પૂજામાં ધન ધાન્યની દેવી કંસારી માતાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.

માવલી પૂજાઃ વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ધરમપુર અને કપરાડાના આદિવાસીઓ મોટાભાગે ખેતી ઉપર જીવન ગુજારે છે. તેઓ ડાંગરની ખેતી વધુ કરતા હોય છે. આ ડાંગરની ખેતી હાલમાં જ પૂર્ણ થઈ છે, લણણી પણ કરી લેવામાં આવી છે. ખેતરમાં નીકળેલા ડાંગરના ઉપયોગ કરતા પૂર્વે આદિવાસીઓ અનાજની દેવી કંસેરી માતા અને માવલી માતાની પૂજા કરતા હોય છે. કંસારી માતાને નવું ધાન્ય ચડાવ્યા બાદ જ તેઓ રસોઈમાં તેનો ઉપયોગ કરે છે. આ માવલી પૂજા વંશપરંપરાગત છે. આદિવાસીઓમાં આ પૂજા પેઢીઓથી થતી આવી છે. માવલી પૂજા 3,5 અને 7 દિવસ સુધી કરવામાં આવે છે.

માવલી પૂજા 3,5 અને 7 દિવસ સુધી કરવામાં આવે છે.

માવલી પૂજાની વિધિઃ આ પૂજામાં ગામની વચ્ચે માવલી સમક્ષ દરેક ઘરમાંથી નવા ઉત્પન્ન થયેલ ધાન્ય લાવવામાં આવે છે. બધાના ઘરેથી ધાન્ય એકત્ર થયા બાદ તેનું ફળ-ફુલોથી, ચોળા, કાકડી અને ચીભડા વડે પૂજન કરવામાં આવે છે. ગામના પૂજારી અને ભક્તોના શરીરમાં માતા પણ આવે છે. તે ધુણવા પણ લાગે છે. કહેવાય છે કે શરીરમાં માતા આવ્યા બાદ સળગતા લાકડાને મોઢામાં લેવાથી, પીઠ પર મારવાથી પૂજારી કે ભક્તને કોઈ અસર થતી નથી. ઘણા ભક્તો સીસમના કાંટાવાળી બનાવેલી સાઠથી પોતાની પીઠ પર ઘા પણ કરતા જોવા મળે છે.

માવલી પૂજાના ચોક્કસ નિયમોઃ ધન ધાન્યની દેવી કંસારા માતાને રીઝવવા માટે કરવામાં આવતી માવલી પૂજાના ચોક્કસ નિયમો છે. જેમાં આ પૂજામાં સામેલ થતા ભક્તોએ ચટ્ટાઈ પાથરીને જમીન પર જ સુવુ પડે છે. ચપ્પલ પહેર્યા વિના ખુલ્લા પગે ચાલવું પડે છે. આ ભક્તો અને પૂજારી વેલા પર થતા શાકભાજી ખાઈ શક્તા નથી ઉપરાંત કાકડી, કોળુ અને ચોળાનું સેવન પણ કરી શકતા નથી.

આદિવાસી સમાજ કંસેરી માતાજીને ધન ધાન્ય ની દેવી માને છે. તેમનું પૂજન દર વર્ષે કરવામાં આવે છે. ખેતરમાં ઉત્પન્ન થયેલા ધાન્યની પૂજા કર્યા બાદ જ તેને રસોઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એવી માન્યતા છે કે માતાજીના પૂજન અર્ચન બાદ સમગ્ર વર્ષ નિરામયી અને સુખ-સમૃદ્ધિમાં વીતે છે. આદિવાસી ક્ષેત્રોના ગામોમાં કંસેરી અને માવલી માતાની પૂજા થતી હોય છે...ગણેશ બિરારી(સામાજિક અગ્રણી, બારોલિયા)

  1. Diwali 2023: જૂનાગઢના ગરીબ બાળકોમાં એક માણસથી ચાલતા એનજીઓ દ્વારા કપડા અને મીઠાઈઓનું વિતરણ કરાયું
  2. Diwali 2023 : 600 બાળકોના ચહેરા પર આવી 'સ્માઈલ', શેર વિથ સ્માઇલ સંસ્થાએ કરી દિવાળીની અનોખી ઉજવણી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details