ડાંગ: નોવેલ કોરોના વાઇરસ COVID 19 વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે. આ મહામારીથી બચવા સરકારશ્રી દ્વારા આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ મુજબ તકેદારીના પગલા લેવાઇ રહ્યાં છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં નાગરિકોને મોં પર માસ્ક રાખવો, સાબુથી વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા રાખવી, એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જેવી સૂચનાઓ અપાઇ રહી છે.
વનઆચ્છાદિત ડાંગ જિલ્લામાં મોટે ભાગે તમામ ગામો ગાઢ જંગલોમાં વસેલા છે, પરંતુ અહીં પણ લોકો કોરોના વાઇરસ પ્રત્યે સાવચેતી રાખતા થઇ ગયા છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ લોકોને આરોગ્યની સુખાકારી માટે જાગૃત કરાયા છે. જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ,આહવા દ્વારા જાહેર સ્થળો ઉપર ઔષધિય ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા 1,18,659 લોકોએ ઔષધિય ઉકાળાનો લાભ લીધો છે.