આહવાઃ ડાંગ જિલ્લામાં BTS( ભીલીસ્થાન ટાઇગર સેના) દ્વારા કોરોના મહામારીને નાથવા માટે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારી આયુર્વેદિક ફાર્મસીની મદદથી BTSએ 3 દિવસમાં 3 હજારથી વધુ લોકોને ઉકાળો પીવડાવ્યો છે.
COVID-19 વાઇરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઉકાળો ખૂબ જ શક્તિ વર્ધક સાબિત થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન પહેલાથી જ આયુર્વેદિક ફાર્મસી દ્વારા ઘરે ઘરે જઇ આ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં પણ આ પ્રક્રિયા ચાલું રાખવામાં આવી છે.
લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોકો સ્વસ્થ રહે તે માટે સરકારના આ સરાહનીય કામમાં BTS સેનાના કાર્યકરો પણ જોડાયા છે. ડાંગમાં પ્રથમ અને બીજો પોઝિટિવ કેસ સામે આવતાં જ BTS સેના પ્રમુખ રાકેશભાઈ પવાર અને તેમના કાર્યકરો આ કામમાં જોડાઈ ગયાં હતાં. આયુર્વેદિક ફાર્મસી સાથે મળીને BTS સેનાના કાર્યકરો એ અત્યાર સુધી 3 હજારથી પણ વધુ લોકોને ઉકાળનું વિતરણ કર્યું છે. આજે આહવાના પટેલ પડા ચાર રસ્તા ઉપર અને જાદવ કોમ્પલેક્ષ સામેના લગભગ 800 થી વધુ લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો.
સ્વાસ્થ્ય રક્ષામૃત પેય આયુર્વેદિક ઉકાળો ઋતુ સંધિજન્ય રોગો જેવા કે શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ન્યુમોનિયા, સ્વાઇન ફલૂ તેમજ કોરોના વાઇરસ જન્ય રોગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.