ડાંગ: ગરીબ આદિવાસી પરિવારના એક પુત્રએ સમાજમાં તેના પિતાનું નામ ઊંચું કર્યું છે. વનવિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ગણેશભાઈ ગાયકવાડ જ્યારે તેમના અધિકારીને સલામી આપતા ત્યારે વિચારતા કે મારો દીકરો પણ એક દિવસ સાહેબ બનશે, પોતાનું સમગ્ર જીવન સેવામાં ખર્ચી કાઢનાર પિતાનું સ્વપ્ન આજે તેમના દીકરાએ પૂરું કર્યું છે. ગણેશભાઈને ત્રણ પુત્ર અને એક પુત્રી એમ મળી ચાર સંતાનોને મોંઘવારીના સમયમાં પણ ઉચ્ચ શિક્ષણ આપી પગભર કર્યા છે. તેમનો નાનો પુત્ર bsc.msc.phdની ડિગ્રી મેળવી ડાંગના સાકરપાતાળ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વન વિભાગમાં ફરજ બજાવનારા પટ્ટાવાળાનો પુત્ર RFO બન્યો
ડાંગ જિલ્લામાં વન વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પિતાનો પુત્ર વન વિભાગમાં આરએફઓની પોસ્ટ પર નિયુક્ત થયો હતો. પુત્રએ પિતાનું સ્વપ્ન પૂરું કરતા તેમને ગર્વની લાગણી થઇ હતી અને આંખોમાં ખુશીના આસુ છલકાયા હતા.
મન હોય તો માડવે જવાય એ ઉક્તિને સાર્થક કરતા PhDની ડિગ્રી મેળવનાર ફોરેસ્ટ ઓફિસર પરેશભાઈ જી ગાયકવાડે જણાવ્યું હતું કે, તેમના પિતા ગણેશભાઈ આહવા વન વિભાગના કચેરીમાં પટાવાળાની નોકરી કરતા હતા. તેમજ માતા ખેતીમાં જોડાયેલા હોવાથી મને પ્રકૃતિ પ્રત્યે નાનપણથી જ લગાવ હતો. પિતાની નોકરી સમયે અવારનવાર તેમના સાથે કચેરીએ જવાનું થતું હોવાથી આ નોકરીમાં જોડાવાની ઈચ્છા જાગી હતી. તેમને 3થી 10 ધોરણ સુધી આહવા દીપદર્શન સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. ત્યારબાદ ધોરણ 11 અને 12 સરકારી માધ્યમિક શાળા આહવામાં પૂર્ણ કરી, વધુ અભ્યાસ અર્થે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં bsc.msc.phd કરી ગુજરાત પબ્લિક સર્વિસમાં અરજી કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થયો હતો અને મહારાષ્ટ્રના સાંગલી ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી કાકરાપારમાં પોસ્ટિંગ થઇ હતી. ત્યાં ત્રણ મહિનામાં દક્ષિણ ડાંગ વન વિભાગના સાકરપાતાળ રેન્જમાં સેવા કરવાનો મોકો મળતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
અત્યારે વતનમાં લોકોથી પરિચિત હોવાથી સ્થાનિક લોકો સાથે જંગલનું મહત્વ સમજાવી રહ્યા છે. સમૃદ્ધ જંગલ આવનારી પેઢી માટે સંવર્ધન થાય તેમજ બિનજરૂરી રીતે વૃક્ષછેદન અટકે તેવા પ્રયાસ સાથે જનજાગૃતિના અનેક પ્રયાસો હાથ ધરી સફળ સંચાલન કરી જંગલની જાળવણી કરી રહ્યા છે. ત્યારે પરેશભાઈ ગાયકવાડની મહેનતથી ડાંગમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ ડાંગ જિલ્લાના પ્રતિભામાં વધુ એક પીછું ઉમેરાતા ડાંગ પ્રદેશના લોકોને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે.