ડાંગઃ જિલ્લાના ગાયખાસ ગામે વન વિભાગ દ્વારા પાલતું પશુઓનું મારણ કરનાર ખુંખાર દીપડો પાંજરે પુરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દીપડાએ પાલતું પશુઓનું મારણ કરી આતંક મચાવ્યો હતો. ડાંગ જિલ્લાનાં વન વિભાગ હસ્તક આહવાના પૂર્વે રેંજ વિસ્તારમાં આવેલા ગાયખાસ ગામનાં જંગલમાં એક સાથે એક ગાય અને વાછરડી પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ભુંસદા ગામનાં જંગલમાં એક ગાય પર હુમલો કર્યો હતો. જે બાદ ફરી વાર ગાયખાસ ગામને અડીને આવેલા ઇસદર ગામનાં પશુમાલિક સોનુભાઈ પવારની વાછરડી પર હુમલો કર્યો હતો. જે બાદ આ પંથકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
દીપડાએ વારંવાર પશુઓ પર હુમલો કર્યો હોવાના કારણે ગામલોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોનું કહેવું છે કે એક જ વિસ્તારમાં એકથી વધુ ગાયો પર એક દીપડો હુમલો નહિ કરે પરંતુ એકથી વધુ દીપડાઓનો પરિવાર હોઇ શકે. દીપડાનાં હુમલા બાદ વન વિભાગની ટિમ ઘટનાં સ્થળે જઇ જંગલમાં પાંજરું ગોઠવતાં આ ખુંખાર દીપડો પાંજરે પુરાયો હતો.